News of Tuesday, 27th October 2026
નીટ પીજી કાઉન્સેલિંગ નિયમોમાં મોટો ફેરફાર: સીટ અપગ્રેડ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની ફી ભરવામાંથી મુક્તિ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિદ્યાર્થીઓની આર્થિક ચિંતા દૂર થશે અને અપગ્રેડેશન પ્રક્રિયા સરળ બનશે.

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્તરે તબીબી અભ્યાસ માટે લેવાતી નીટ પીજી ૨૦૨૬ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ઉમેદવારો માટે એક અત્યંત રાહતરૂપ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ દ્વારા ફી ભરવાના નિયમોમાં સંશોધન કરીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી કાઉન્સેલિંગ રાઉન્ડમાં સીટ અપગ્રેડ કરવા માંગતા ઉમેદવારોએ પરિણામ જાહેર થાય ત્યાં સુધી પ્રથમ વર્ગની કોર્સ ફી ભરવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ નવા ફેરફારથી એવા હજારો વિદ્યાર્થીઓને મોટી આર્થિક રાહત મળશે જેઓ હાલ ફાળવવામાં આવેલી સીટથી સંતુષ્ટ નથી અને પોતાની પસંદગીની બેટર સીટ મેળવવા માટે કાઉન્સેલિંગના આગામી રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છે છે. જો કે, જે ઉમેદવારો હાલ ફાળવેલી સીટ પર જ પ્રવેશ મેળવવાનો અંતિમ નિર્ણય કરશે, તેમણે સંબંધિત સંસ્થામાં સમયસર પહેલા વર્ષની ફી જમા કરાવવાની રહેશે.
કાઉન્સેલિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે 'ફ્રીઝ' અને 'ફ્લોટ' નામના બે મુખ્ય વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ફ્રીઝ વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીએ ફાળવેલી સીટ સ્વીકારીને ફી ભરવાની રહેશે, જ્યારે ફ્લોટ વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીને સીટ અપગ્રેડેશનનું પરિણામ ન આવે ત્યાં સુધી કોર્સ ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે, અને સીટ અપગ્રેડ ન થાય તો અગાઉ ફાળવેલી સીટ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.
આ સમગ્ર કાઉન્સેલિંગ પ્રક્રિયાનું સત્તાવાર સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેના અનુસાર પ્રથમ રાઉન્ડના ઉમેદવારો માટે રિપોર્ટિંગની પ્રક્રિયા ૨૬ ઓક્ટોબરથી ૨ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલી રહી છે. જ્યારે બીજા રાઉન્ડનું પરિણામ આગામી ૧૪ નવેમ્બરે જાહેર થશે અને ૧૬ થી ૨૩ નવેમ્બર સુધી રિપોર્ટિંગ થઈ શકશે, તેમજ ત્રીજા રાઉન્ડનું પરિણામ ૪ ડિસેમ્બરે અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડનું પરિણામ ૨૪ ડિસેમ્બરે જાહેર થશે.
સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફી ભરવાના નિયમોમાં ભલે વિદ્યાર્થીઓની સુવિધા માટે રાહત આપવામાં આવી હોય, પરંતુ એડમિશન અને રિપોર્ટિંગની નિર્ધારિત સમયમર્યાદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓએ કાઉન્સેલિંગના સત્તાવાર પોર્ટલ પર જઈને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેથી પ્રવેશ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.
આ નવા સુધારાથી કાઉન્સેલિંગ દરમિયાન વિદ્યાર્થીઓ પર પડતો નાર્થિક બોજ હળવો થશે અને તેઓ કોઈપણ દબાણ વગર પોતાની યોગ્ય પસંદગીના આધારે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકશે. તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ સરકારના આ પગલાને આવકારીને વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો યોગ્ય નિર્ણય ગણાવ્યો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
