News of Wednesday, 2nd September 2026
આઈટી ક્ષેત્રે મોટો ફેરફાર: ૨૦૨૪ થી AI નોકરીઓના પગારમાં ૨૩% નો તીવ્ર વધારો, ટ્રેડિશનલ આઈટી ક્ષેત્રના પગારમાં કડાકો
જોબ પ્લેટફોર્મ 'ફાઉન્ડિટ'ના અહેવાલમાં મોટો ખુલાસો; વાર્ષિક રૂ. ૯૧ લાખ સુધીના પેકેજ સાથે બેંગલુરુ દેશનું સૌથી વધુ પગાર આપતું AI માર્કેટ બન્યું

નવી દિલ્હી, તા.૦૨: ભારતીય આઈટી અને ટેકનોલોજી ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં પગાર ધોરણોને લઈને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જોબ્સ પ્લેટફોર્મ 'ફાઉન્ડિટ'ના તાજેતરના રિપોર્ટ મુજબ, છેલ્લા બે વર્ષમાં (૨૦૨૪ થી ૨૦૨૬) AI સંબંધિત નોકરીઓના પગારમાં ૨૩% નો ચક્રવૃદ્ધિ (CAGR) વધારો નોંધાયો છે. આશ્ચર્યજનક રીતે, એક જ વર્ષમાં AI પ્રોફેશનલ્સના વેતનમાં ૧૨% નો ઉછાળો આવ્યો છે, જ્યારે બીજી તરફ પરંપરાગત આઈટી ભૂમિકાઓમાં પગાર સ્થિર રહ્યા છે અથવા તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
અહેવાલ મુજબ, ૩ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા એન્ટ્રી-લેવલ AI પ્રોફેશનલ્સ વાર્ષિક રૂ. ૮.૮૭ લાખ થી રૂ. ૧૫.૪૧ લાખ કમાઈ રહ્યા છે. જ્યારે ૧૫ વર્ષથી વધુ અનુભવ ધરાવતા સિનિયર એક્સપર્ટ્સનું વાર્ષિક પેકેજ વધીને રૂ. ૭૦.૯૯ લાખ થી રૂ. ૮૯.૨૪ લાખ સુધી પહોંચી ગયું છે. સાયબર સિક્યોરિટી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ૯% નો મજબૂત વધારો નોંધાયો છે.
બેંગલુરુનો દબદબો અને લેગસી આઈટીનો પરાજય
સિટી-વાઇઝ રેન્કિંગમાં બેંગલુરુ ભારતનું સૌથી વધુ પગાર આપતું AI હબ બનીને ઉભરી આવ્યું છે, જ્યાં સિનિયર પ્રોફેશનલ્સને વાર્ષિક રૂ. ૬૧.૭૦ લાખ થી રૂ. ૯૧.૨૫ લાખ સુધીનું પેકેજ મળી રહ્યું છે. આ કમાણી મુંબઈ અને દિલ્હી-એનસીઆર કરતાં ૧૦ થી ૧૫ ટકા અને ચેન્નાઈ કરતાં ૪૦ ટકા વધુ છે. હૈદરાબાદ પણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સના કારણે ઝડપથી આગળ વધી રહ્યું છે.
તેનાથી વિપરીત, પરંપરાગત IT સેવાઓમાં એન્ટ્રી-લેવલ પગાર રૂ. ૨.૬૮ લાખ થી રૂ. ૫.૦૮ લાખ વચ્ચે અટકી ગયા છે અને આ ક્ષેત્રમાં ગયા વર્ષે ૧% નો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે હવે માત્ર સ્પેશિયલાઇઝ્ડ સ્કિલ્સ ધરાવતા વ્યાવસાયિકોની જ બોલબાલા છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
