તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
૧ ઓક્ટોબરથી FD વ્યાજ દરોના નિયમોમાં મોટો ફેરફાર: RBI ની નવી ગાઇડલાઇન્સથી બેંકિંગ સિસ્ટમમાં આવશે પારદર્શિતા
સમાન રકમ અને મુદત માટે બેંકની અલગ-અલગ શાખાઓ અલગ વ્યાજદર નહીં આપી શકે: વેબસાઇટ પર દર રોજ સવારે દરો જાહેર કરવા ફરજિયાત : જૂની FD ને અસર નહીં

મુંબઈ : જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી અમલમાં આવનારા નવા નિયમો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. RBIએ FD વ્યાજ દરો અંગે દેશની તમામ બેંકો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને વિવિધ શાખાઓમાં આપવામાં આવતા અલગ-અલગ દરો અંગેની મૂંઝવણ દૂર કરવાનો અને બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવવાનો છે.
નવા નિયમ હેઠળ, જો કોઈ ગ્રાહક એક જ દિવસે, સમાન રકમ અને સમાન સમયગાળા (મુદત) માટે FD કરાવે છે, તો બેંકની અલગ-અલગ શાખાઓ હવેથી અલગ વ્યાજ દરો આપી શકશે નહીં. એટલે કે એક જ બેંકની બે જુદી-જુદી શાખાઓ પર સમાન FD માટે વ્યાજ દર એકસરખો જ રહેશે. આનાથી ગ્રાહકોને શાખા કે કર્મચારી સાથેના સંબંધો અથવા વાટાઘાટોના આધારે અલગ-અલગ દરો મળવાની શક્યતા નાબૂદ થશે.
વધુમાં, RBI ના આદેશ મુજબ તમામ બેંકોએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી જ વ્યાજ દરોની વિગતો પ્રદર્શિત કરવી ફરજિયાત બનશે. આનાથી ગ્રાહકો બેંક શાખાની મુલાકાત લીધા વિના ઘરે બેઠા જ ઓનલાઇન સાચા વ્યાજ દરની માહિતી મેળવી શકશે.
નવા નિયમો અનુસાર ₹૩ કરોડ કે તેથી વધુની થાપણોને 'બલ્ક ડિપોઝિટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. બેંકોએ દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં આવી મોટી થાપણો માટે પોતાના લાગુ વ્યાજ દરો સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવાના રહેશે, જેમાં સવારે ૧૦:૧૦ વાગ્યા સુધી ૧૦ મિનિટનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે. જોકે, બેંકો લિક્વિડિટી જોખમના આધારે બલ્ક ડિપોઝિટ પર અલગ-અલગ દરો નક્કી કરવા મુક્ત રહેશે.
આ નવા નિયમોથી જૂની (૧ ઓક્ટોબર, ૨૦૨૬ પહેલાં કરાયેલી) FD પર કોઈ અસર થશે નહીં અને તેને પૂર્વનિર્ધારિત શરતો મુજબ જ વ્યાજ મળતું રહેશે. આ ગાઇડલાઇનથી ૧ ઓક્ટોબરથી વ્યાજદરોમાં સીધો વધારો કે ઘટાડો થશે નહીં, પરંતુ દરો નક્કી કરવાની અને દર્શાવવાની રીત વધુ પારદર્શક બનશે. આ માર્ગદર્શિકા તમામ વાણિજ્યિક બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB), પેમેન્ટ્સ બેંકો અને સહકારી બેંકોને એકસરખી રીતે લાગુ પડશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
