તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ભાજપના રાષ્ટ્રીય મીડિયા વિભાગમાં મોટો ફેરફાર : આશિષ ઊષા અગ્રવાલને નેશનલ મીડિયા કન્વીનર બનાવાયા, અનિલ બલુનીને કોમ્યુનિકેશન વિભાગની જવાબદારી સુપ્રત
ઉત્તરાખંડના ગઢવાલથી સાંસદ અનિલ બલુનીને સંવહન વિભાગના સમન્વયક તરીકે જવાબદારી

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સંગઠનાત્મક ફેરફારમાં આશિષ ઊષા અગ્રવાલને રાષ્ટ્રીય મીડિયા વિભાગના સંયોજક અને અનિલ બલુનીને કોમ્યુનિકેશન વિભાગના ઓરડીનેટર તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા.
ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મીડિયા અને સંવહન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને આશિષ ઊષા અગ્રવાલને પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા વિભાગના સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ ઉત્તરાખંડના ગઢવાલથી સાંસદ અનિલ બલુનીને સંવહન વિભાગના સમન્વયક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. પક્ષના કેન્દ્રીય કાર્યાલય દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જારી સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિમાં આ જાહેરાત કરવામાં આવી છે.
આશિષ ઊષા અગ્રવાલને આ અગાઉ તા. ૧૭ ઓગસ્ટે ભાજપની નવી રાષ્ટ્રીય મીડિયા ટીમમાં સહ-સંયોજક બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે પ્રદીપ ભંડારી અને સિદ્ધાર્થ યાદવને પણ સહ-સંયોજકની જવાબદારી અપાઈ હતી, જ્યારે અનિલ બલુની મીડિયા સંકલનની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે અંદાજે ૩૭ દિવસમાં જ આશિષ અગ્રવાલને રાષ્ટ્રીય મીડિયા વિભાગના સંયોજક તરીકે વધુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ગ્વાલિયરના આશિષ ઊષા અગ્રવાલે જીવાજી યુનિવર્સિટીમાંથી બી.કોમ. અને એમ.એ.નો અભ્યાસ કર્યો છે તથા ચેન્નઈની ગ્રેટ લેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું હોવાનું ઉપલબ્ધ જાહેર વિગતોમાં જણાવાયું છે. તેઓ વર્ષ ૨૦૦૩થી ૨૦૧૦ દરમિયાન બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા અને બાદમાં ભાજપ સંગઠનમાં સક્રિય થયા. વર્ષ ૨૦૧૭માં મધ્યપ્રદેશ ભાજપના મીડિયા પેનલમાં આવ્યા, વર્ષ ૨૦૨૧માં પ્રદેશ પ્રવક્તા બન્યા અને તા. ૨૯ એપ્રિલ, ૨૦૨૩ના રોજ મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સંભાળી હતી.
સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ આ નિમણૂક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન દ્વારા કરવામાં આવી છે. પત્રમાં રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ અને રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી મહેન્દ્ર પાંડેને પણ તેની નકલ મોકલવામાં આવી હોવાનું દર્શાવાયું છે. આ ફેરફાર સાથે ભાજપના રાષ્ટ્રીય સ્તરના મીડિયા અને સંવહન વિભાગમાં નવી જવાબદારીઓ સ્પષ્ટ થઈ છે.

(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
