News of Sunday, 4th October 2026
પંજાબમાં ISI ના સરહદ પારના આતંકવાદી મોડ્યુલનો મોટો પર્દાફાશ: AK-47 અને ૨ ઘાતક હેન્ડ ગ્રેનેડ સાથે ડ્રગ્સ એડિક્ટ ડ્રાઇવર પકડાયો
પાકિસ્તાની હેન્ડલર્સે ડ્રોનથી ભારતીય સીમામાં ઉતારેલો હથિયારોનો જથ્થો પડોશી જિલ્લામાં સપ્લાય કરવા જતાં ૨૮ વર્ષીય ટ્રક ડ્રાઇવર નવજોત ઉર્ફે ચીમા રસ્તામાં જ ઘેરાયો

અમૃતસર : પંજાબમાં આતંકવાદ, ગેંગસ્ટરો અને સંગઠિત ગુનાખોરી સામે ચલાવવામાં આવી રહેલા શૂન્ય-સહિષ્ણુતા અભિયાન હેઠળ અમૃતસર ગ્રામીણ પોલીસે સરહદ પારથી થતી શસ્ત્રોની દાણચોરીના એક અત્યંત ખતરનાક અને મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. બોર્ડર રેન્જના આઈજી ગુરપ્રીત સિંહ ભુલ્લરે વિગતો આપતાં જણાવ્યું કે, એસએસપી કંવલપ્રીત સિંહ ચહલ અને સીઆઈએ (CIA) ની સ્પેશિયલ ટીમે હાથ ધરેલા ગુપ્ત ઓપરેશનમાં સરાઈ અમાનત ખાનના રહેવાસી ૨૮ વર્ષીય નવજોત સિંહ ચીમા ઉર્ફે નવજોતને રસ્તામાંથી જ ઘેરીને ઝડપી લીધો હતો. પોલીસ ટીમે આરોપીના કબજામાંથી એક રશિયન બનાવટની ઘાતક AK-47 રાઇફલ, મેગેઝિન, ૯ જીવંત કારતૂસ, ૨ અતિ-વિનાશક હેન્ડ ગ્રેનેડ, એક મોબાઇલ અને ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ સમગ્ર આતંકી ષડયંત્ર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા સંચાલિત હેન્ડલર્સ અને ખાડી (મધ્ય પૂર્વ) દેશોમાં બેઠેલા વિદેશી આકાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાન સીમા પરથી રાત્રિના અંધારામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઘાતક શસ્ત્રો ભારતીય સરહદમાં ફેંકવામાં આવ્યા હતા. ઝડપાયેલો આરોપી નવજોત વ્યવસાયે ટ્રક ડ્રાઇવર છે અને તે અગાઉથી જ હેરોઇનની દાણચોરી તથા નશાની ટેવ ધરાવે છે. આ વખતે વિદેશી હેન્ડલર્સે તેને ડ્રગ્સના બદલે આ શસ્ત્રો પડોશી જિલ્લામાં અજ્ઞાત 'કટ-આઉટ' (સહયોગી) ને પહોંચાડવાનું કામ સોંપ્યું હતું, જેના બદલામાં તેને ₹૫૦,૦૦૦ આપવાનું વચન અપાયું હતું.
આઈજી ભુલ્લરે જણાવ્યું હતું કે, અમૃતસર ગ્રામીણ પોલીસ દ્વારા તાજેતરમાં જપ્ત કરાયેલી આ ત્રીજી AK-47 રાઇફલ છે, જ્યારે હેન્ડ ગ્રેનેડ મળી આવવા તે વાત તરફ ઈશારો કરે છે કે કોઈ મોટો આતંકી હુમલો અથવા વિસ્ફોટ કરવાનો પ્લાન હતો જે સમયસર પકડાઈ જતાં ટળી ગયો છે. પોલીસ દ્વારા ઘરિંડા પોલીસ સ્ટેશનમાં સીઆઈએ વિંગની ફરિયાદ આધારે ગુનો નોંધીને નેટવર્કના અન્ય કડીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. બીએસએફ સાથે મળીને એન્ટી-ડ્રોન ટીમો અને સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ દ્વારા સરહદ પર સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે અને સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમને ડીજીપી પંજાબ તરફથી વિશેષ એવોર્ડ આપવાની પણ ભલામણ કરાઈ છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
