તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 3rd October 2026
વિજય માલ્યાને મોટો ઝટકો: એસબીઆઈના ખુલાસા મુજબ હજુ પણ રૂ. ૮,૭૫૨ કરોડની વસૂલાત બાકી
બેંક કોન્સોર્ટિયમે બોંબે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે વિજય માલ્યા પાસેથી હજુ પણ હજારો કરોડની રકમ લેવાની બાકી છે, જ્યારે ઈડીએ સિવિલ રિકવરી અને ફોજદારી કાર્યવાહી અલગ હોવાનું જણાવ્યું છે.

નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની અધ્યક્ષતામાં બેંક કોન્સોર્ટિયમે બોંબે હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ ચોખવટ કરતા જણાવ્યું છે કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પાસેથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં કાયદાકીય અને અન્ય ખર્ચાઓ સાથે આશરે રૂ. ૮,૭૫૧.૮૬ કરોડની રકમ હજુ પણ વસુલવાની બાકી છે.
બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ડેટ રિકવરી ઑફિસર અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧૦,૨૭૦ કરોડની રકમ અસ્થાયી રૂપે રિકવર કરી લેવામાં આવી છે, તેમજ કેસ દાખલ થતા પહેલાં પણ રૂ. ૫૪૪.૫૮ કરોડની રિક્વરી થઈ ચૂકી છે, જેને બેંકે કુલ લેણાં સામે અલગ રીતે ગણાવી છે.
આ મામલે અગાઉ જાન્યુઆરી ૨૦૨૬માં દાખલ કરાયેલી એફિડેવિટમાં રૂ. ૮,૧૫૩.૬૩ કરોડ બાકી હોવાનું સામે આવ્યું હતું, જેમાં વ્યાજ અને અન્ય લેણાં ઉમેરાતા આ આંકડો ૩૧ ઓગસ્ટ સુધીમાં વધીને રૂ. ૮,૭૫૧.૮૬ કરોડ સુધી પહોંચ્યો છે, જે દર્શાવે છે કે બેંકની નાણાકીય વસૂલાતની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી.
બીજી તરફ, વિજય માલ્યાએ વર્ષ ૨૦૨૦માં હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે બેંકોએ તેમની મૂળ બાકી રકમ કરતાં વધુ રકમ વસૂલ કરી લીધી છે અને તેમની સામેના કેટલાક ગુનાહિત કેસો તથા વિવાદો હવે સમાપ્ત થવા જોઈએ, જેનો બેંકોએ સખત વિરોધ કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે કેસમાં અટેચ કરાયેલા કેટલાક શૅર્સ હજુ યથાવત છે અને તેનું વેચાણ થયું નથી.
આ સમગ્ર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા પણ કોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આશરે રૂ. ૧૪,૧૩૧.૬ કરોડની સંપત્તિ એસબીઆઈની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમને પરત કરવામાં આવી છે, પરંતુ બેંકની સિવિલ રિકવરી અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા ફોજદારી ગુનાના કેસ બંને તદ્દન અલગ પાસાઓ છે.
ભૂતકાળમાં વિજય માલ્યા સામે લોન ડિફોલ્ટ અને મની લોન્ડરિંગના અનેક ગંભીર આરોપોસર કાનૂની લડાઈ ચાલી રહી છે, ત્યારે બેંક અને તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કાયદાકીય પ્રક્રિયા અને નાણાકીય વસૂલાતના દાવાઓ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
