તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
UP MLC ચૂંટણીમાં મોટો ધડાકો: ગેરરીતિ બદલ ચૂંટણી પંચ આક્રમક : આગ્રામાં 6 અધિકારીઓ સસ્પેન્ડ અને ગોરખપુરમાં IAS અભય સિંહની હાકલપટ્ટી
મતદાનમાં ગંભીર બેદરકારી સામે આવતા ચૂંટણી પંચની આકરી શિસ્તબદ્ધ કાર્યવાહી: 27 ઓક્ટોબરે થનારી મતગણતરી પહેલા ગોરખપુર-ફૈઝાબાદ ક્ષેત્રમાં નવા નિરીક્ષક તરીકે IAS પ્રકાશ બિંદુની તાત્કાલિક નિમણૂક

લખનૌ : ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં 23 ઓક્ટોબરના રોજ યોજાયેલી વિધાન પરિષદ સ્નાતક અને શિક્ષક મતવિસ્તારની ચૂંટણીઓમાં જોવા મળેલી ગંભીર ગેરરીતિઓ અને અધિકારીઓની બેદરકારી સામે દેશના ચૂંટણી પંચે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવી રાખવા માટે પંચે તાત્કાલિક પગલાં ભરીને આગ્રા વિભાગ શિક્ષક મતવિસ્તારમાંથી 6 સુપરવાઇઝરી અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે ગોરખપુર-ફૈઝાબાદ ક્ષેત્રમાંથી ચૂંટણી નિરીક્ષક તરીકે તૈનાત વરિષ્ઠ IAS અધિકારી અભય સિંહને તેમની ફરજોમાંથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, આગ્રા વિભાગ શિક્ષક મતવિસ્તાર હેઠળ આવતા મતદાન મથક સંખ્યા 20, 21 અને 26 પર પુનઃ મતદાન (રી-પોલિંગ) દરમિયાન ગંભીર ગેરરીતિઓ અને નિયમોના ભંગની ફરિયાદો મળી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને ચૂંટણી પંચે મતદાન મથક 21 અને 26 પર તૈનાત તમામ 6 સુપરવાઇઝરી અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ કડક કાર્યવાહીથી ચૂંટણી તંત્ર અને વહીવટી વર્તુળોમાં ભારે ફાળ પડી ગઈ છે.
બીજી તરફ, ગોરખપુર-ફૈઝાબાદ બ્લોક શિક્ષક મતવિસ્તારમાં ભાજપના બળવાખોર નેતા અને MLC દેવેન્દ્ર પ્રતાપ સિંહે ચૂંટણી નિરીક્ષક IAS અભય સિંહ સામે સીબીઆઈ દરોડા અને ભૂતકાળમાં ગેરકાયદેસર ખાણકામ કેસમાં રોકડ જપ્તી અંગે ગંભીર ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદોને ધ્યાને રાખી પંચે અભય સિંહને હટાવીને તેમના સ્થાને 2009 બેચના અનુભવી IAS અધિકારી પ્રકાશ બિંદુને ગોરખપુર-ફૈઝાબાદ ક્ષેત્રના નવા ચૂંટણી નિરીક્ષક બનાવ્યા છે. પંચે નવા નિરીક્ષકને આવતીકાલે, 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી મતગણતરી માટે સ્થળ પર પહોંચી તાત્કાલિક રિપોર્ટ સુપરત કરવા કડક નિર્દેશ આપ્યા છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
