તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને મોટો ફટકો :નકલી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવવાના ગુન્હામાં સાત વર્ષની સખત કેદની સજા
ચર્ચિત કેસમાં કોર્ટે આરોપી પર ૫૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો:ઠગાઈ, વિજયા કદમ નામથી બનાવટી ઓળખ ઊભી કરવા અને કાગળોની હેરાફેરી કરવા બદલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો

ચેન્નઈ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટે અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનને નકલી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ મેળવવાના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ અને બોગસ ઓળખ ઊભી કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના આ ચર્ચિત કેસમાં કોર્ટે આરોપી પર ૫૫ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઠગાઈ, વિજયા કદમ નામથી બનાવટી ઓળખ ઊભી કરવા અને કાગળોની હેરાફેરી કરવા બદલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અન્ય એક ગંભીર ગુનામાં પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
CBI દ્વારા 19 માર્ચ 2002ના રોજ આ ચર્ચિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે છોટા રાજને રીજનલ પાસપોર્ટ ઓફિસ, ચેન્નઈને ગેરમાર્ગે દોરીને “વિજયા કદમ” નામે પાસપોર્ટ મેળવ્યો હતો. આ પાસપોર્ટ મેળવવા માટે તેણે શાળાનું નકલી ટ્રાન્સફર સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને ડિમાન્ડ ડ્રાફ્ટ જેવા બનાવટી કાગળો રજૂ કર્યા હતા. સઘન તપાસમાં સામે આવ્યું કે વિજયા કદમ નામે પાસપોર્ટ મેળવનાર વ્યક્તિ વાસ્તવમાં મુંબઈનો રહેવાસી રાજેન્દ્ર ઉર્ફે નાના ઉર્ફે છોટા રાજન, પિતા સદાશિવ હતો. તેણે પોતાની ઉંમર અને સરનામા અંગેના ખોટા પુરાવા આપ્યા હતા.
લાંબા સમય સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા બાદ આખરે સીબીઆઈ કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને રાખીને આ મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૦૪માં CBIએ સમગ્ર મામલે તપાસ પૂરી કરીને ૨૨ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલી કાનૂની લડાઈ અને વિસ્તૃત સુનાવણી બાદ ચેન્નઈની CBI કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો છે. આ ચુકાદાથી નકલી દસ્તાવેજો અને બનાવટી ઓળખ ઊભી કરીને કાયદાથી ભાગતા અંડરવર્લ્ડના તત્વો સામે કડક સંદેશ ગયો છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
