News of Thursday, 8th October 2026
ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટો ઝટકો: એમેઝોન દ્વારા 1000 કર્મચારીઓની છટણી, તહેવારોની મોસમમાં ભારતીય કર્મચારીઓ પર પણ અસર
ઇ-કોમર્સ દિગ્ગજ એમેઝોને રિટેલ બિઝનેસના મોડેલમાં મોટા ફેરફારો કરીને 1,000 પ્રોફાઇલ ખતમ કરવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ભારત સહિતના દેશો પર થશે

નવી દિલ્હી : વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોને તેના રિટેલ બિઝનેસ અને સ્ટોર્સ ડિવિઝનમાં મોટા ફેરફારો કરવાના ભાગરૂપે આશરે 1,000 કર્મચારીઓની છટણી કરવાનો મોટો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે જ્યારે બજારમાં તહેવારોની મોસમ ખીલી રહી છે અને ફેસ્ટિવલ સેલની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ કંપનીના આ અચાનક લેવાયેલા પગલાથી કર્મચારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કંપનીના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સ્ટોર્સ બિઝનેસના કેટલાક ભાગોમાં પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારો અનિવાર્ય બન્યા છે. આ છટણીની સીધી અસર કસ્ટમર સર્વિસ અને સેલિંગ પાર્ટનર સાથે જોડાયેલી ટીમ પર પડવાની પૂરી શક્યતા છે, અને ભારત, અમેરિકા તથા બ્રિટનમાં કામ કરતા કર્મચારીઓને નિયમ અનુસાર અગાઉથી જાણ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોના મહામારી બાદ ઓનલાઈન શોપિંગમાં થયેલા વધારાને કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કંપનીએ વિવિધ તબક્કામાં હજારો કર્મચારીઓને છૂટા કર્યા છે. વર્તમાન સમયમાં કંપની એક તરફ કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે, તો બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડૉલરનુંંગી રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.
નિષ્ણાતોના મતે, આ વ્યાપક પરિવર્તન પાછળ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશનલ ખર્ચ ઘટાડીને ટેક્નોલોજી અને ઓટોમેશન તરફ આગળ વધવાનો છે. આગામી સમયમાં આ ફેરફારોના કારણે કંપનીના વ્યવસાયિક માળખામાં મોટા પાયે બદલાવ જોવા મળી શકે છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
