<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો : ઈ. જીન કેરોલ યૌન શોષણ કેસમાં ચુકાદો બદલવાની અપીલ ફગાવી

મેગેઝિનના પૂર્વ કટારલેખકને ૫ મિલિયન ડોલર (૪૧.૮૫ કરોડ રૂપિયા) નું વળતર ચૂકવવાનો નીચલી અદાલતનો આદેશ સર્વોચ્ચ અદાલતે રાખ્યો યથાવત : ન્યાયી ટ્રાયલ ન થઈ હોવાની ટ્રમ્પની દલીલો નકારી કાઢવામાં આવી : બીજા કેસમાં ૮૩.૩ મિલિયન ડોલરના વળતરનો ચુકાદો પણ યથાવત

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કાનૂની મોરચે ખૂબ મોટો આંચકો લાગ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પની એ અરજીને સાંભળવાનો સાફ ઇનકાર કરી દીધો છે, જેમાં તેમણે મેગેઝિનના પૂર્વ કટારલેખક ઈ. જીન કેરોલના પક્ષમાં આવેલા ૫ મિલિયન ડોલર (અંદાજે ૪૧.૮૫ કરોડ રૂપિયા) ના વળતરના ચુકાદાને પડકાર્યો હતો. નીચલી અદાલતે ૨૦૨૩માં જ્યુરી દ્વારા આપવામાં આવેલા ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ બહાલ રાખ્યો છે. ટ્રમ્પના વકીલોએ દલીલ કરી હતી કે આ ટ્રાયલ ન્યાયી નહોતી કારણ કે ન્યાયાધીશે જ્યુરીને ટ્રમ્પના ભૂતકાળના કથિત યૌન દુર્રાચારના પુરાવા સાંભળવાની પરવાનગી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ તમામ દલીલો ફગાવી દીધી છે.

૧૯૯૬ની ઘટના અને ૨૦૧૯માં પુસ્તક દ્વારા થયો હતો ખુલાસો:
ડોનાલ્ડ ટ્રમ્પ અને એલે (Elle) મેગેઝિનના પૂર્વ સલાહકાર કટારલેખક ઈ. જીન કેરોલ વચ્ચેનો આ વિવાદ ૨૦૧૯થી ચાલી રહ્યો છે. ઈ. જીન કેરોલે પોતાના એક પુસ્તકના અંશમાં આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૧૯૯૬ની આસપાસ મેનહટનના એક શોપિંગ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ટ્રમ્પે તેમનું યૌન શોષણ કર્યું હતું. ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તે જુઠ્ઠું બોલી રહી છે. ટ્રમ્પે ૨૦૧૯માં જ્યારે તેઓ પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ પર હતા ત્યારે અને ત્યારબાદ ૨૦૨૨માં પદ પરથી હટ્યા પછી પણ આ આરોપોને સખત શબ્દોમાં નકાર્યા હતા. ટ્રમ્પના ન્યાય વિભાગે મે મહિનામાં કેરોલ વિરુદ્ધ ખોટી જુબાની (પેરજ્યુરી) આપવાના મુદ્દે ફોજદારી તપાસ પણ શરૂ કરી છે.

જ્યુરીએ યૌન શોષણ અને બદનક્ષીના કેસમાં ફટકાર્યો હતો દંડ:
જે કેસમાં ૫ મિલિયન ડોલર (અંદાજે ૪૧.૮૫ કરોડ રૂપિયા) નો દંડ થયો હતો તે ટ્રમ્પના ૨૦૨૨ના સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટ સાથે સંબંધિત છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કેરોલના આક્ષેપોને એક મોટો 'દાવો' અને 'છેતરપિંડી' ગણાવ્યા હતા અને લખ્યું હતું કે, "આ મહિલા મારી ટાઈપની નથી!" ત્યારબાદ કેરોલે મેનહટનની ફેડરલ કોર્ટમાં દાવો માંડ્યો હતો. ૨૦૨૩માં જ્યુરીએ ચુકાદો આપ્યો કે ટ્રમ્પે કેરોલનું યૌન શોષણ કર્યું હતું અને તેમની બદનક્ષી કરી હતી, જો કે જ્યુરીએ કેરોલના રેપના આક્ષેપને માન્ય રાખ્યો ન હતો. ૨૦૨૪માં અપીલ કોર્ટે પણ આ ચુકાદો યથાવત રાખતા ૨૦૧૬ના 'એક્સેસ હોલીવુડ' વીડિયોનો હવાલો આપ્યો હતો, જેમાં ટ્રમ્પ પોતાની સેક્સ્યુઅલ ક્ષમતા વિશે બડાઈ મારતા જોવા મળ્યા હતા.

બીજા કેસમાં ૮૩.૩ મિલિયન ડોલરના વળતરનો ચુકાદો પણ યથાવત:
ટ્રમ્પના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં જણાવ્યું હતું કે કેરોલે રાજકીય દ્વેષભાવથી અને આર્થિક ફાયદો મેળવવા માટે ૨૦ વર્ષ સુધી રાહ જોઈ અને જ્યારે ટ્રમ્પ ૪૫મા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ખોટા આરોપો લગાવ્યા. આ ઉપરાંત, કેરોલ દ્વારા કરવામાં આવેલા અન્ય એક મુકદ્દમામાં ૨૦૨૪માં જ્યુરીએ ટ્રમ્પને ૮૩.૩ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૬૯૭.૨૨ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો હતો. ટ્રમ્પે ૨૦૧૯માં પ્રથમ વખત કેરોલના આરોપોને ફગાવીને પુસ્તક વેચવા માટેની વાર્તા ગણાવી હતી, જેના કારણે આ બદનક્ષીનો દંડ થયો હતો. વર્ષ ૨૦૨૫માં અપીલ કોર્ટે ટ્રમ્પની આ ૮૩.૩ મિલિયન ડોલરના દંડને રદ કરવાની અરજી પણ ફગાવી દીધી હતી.

(1:27 PM IST)