<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

પશ્ચિમ બંગાળમાં પોલીસના દરોડામાં મોટો ધડાકો: સરકારી બસ ડ્રાઈવરના ઘરેથી કરોડોની રોકડ અને ૧૫ કિલો સોનું જપ્ત; ગણતરી માટે પાંચ મશીનો મંગાવવા પડ્યા!

બીરભૂમના મોહમ્મદબજારમાં મોડી રાત્રે પોલીસ કાર્યવાહીથી ખળભળાટ: કરોડોની રોકડ ભરવા મોટા ટ્રંક મંગાવાયા; ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ખનન સામે ભાજપ સરકારનું કડક વલણ, તપાસનો ધમધમાટ શરૂ

કોલકાતા, તા.૨૯: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મોડી રાત્રે પોલીસે પાડેલા દરોડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના મોહમ્મદબજાર વિસ્તારના દેવચા ખાતે રહેતા અને સરકારી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મીનાર મંડલના ઘરેથી પોલીસે કરોડો રૂપિયાની રોકડ રકમ અને આશરે ૧૫ કિલો જેટલું સોનું જપ્ત કર્યું છે. એક સામાન્ય બસ ચાલકના ઘરમાંથી આટલી મોટી માત્રામાં બિનહિસાબી સંપત્તિ મળી આવતા સમગ્ર વિસ્તાર સહિત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

નોટો ગણવાના પાંચ મશીનો અને મોટા ટ્રંક મંગાવ્યા:

ગુપ્ત માહિતીના આધારે પોલીસે મોડી રાત્રે મીનાર મંડલના ઘરને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે વહેલી સવાર સુધી ચાલ્યું હતું. ઘરની અંદરથી નોટોના અસંખ્ય બંડલો મળી આવ્યા હતા. રોકડ રકમ એટલી મોટી માત્રામાં હતી કે તેની ગણતરી કરવા માટે પોલીસે તાત્કાલિક નોટો ગણવાના પાંચ મશીનો મંગાવવા પડ્યા હતા. આ ઉપરાંત, જપ્ત કરાયેલી રોકડ રકમ અને સોનું સુરક્ષિત રીતે લઈ જવા માટે મોટા-મોટા લોખંડના ટ્રંક પણ સ્થળ પર લાવવામાં આવ્યા હતા.

ગેરકાયદે પથ્થર ખનન અને સિન્ડિકેટ સાથે તાર જોડાયા હોવાની આશંકા:

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મીનાર મંડલ સરકારી બસ ચાલક હોવાની સાથે પથ્થર ખનન ક્ષેત્રે પણ સક્રિય હતો. તેની સંડોવણી બીરભૂમના ચર્ચિત પથ્થર કારોબારી ટુલૂ મંડલની ખાણો સાથે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ જંગી રકમ અને સોનાનો મુખ્ય સ્ત્રોત શું છે અને તેનો ઉપયોગ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કે સ્મગલિંગમાં થતો હતો કે કેમ, તે અંગે પોલીસ હાલ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અને રાજકીય ગરમાવો:

આ ઘટના અંગે મુખ્યમંત્રી શુબેન્દુ અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને જનતાના પૈસાની લૂંટ ચલાવનારાઓ સામે સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ ચાલુ રહેશે. સત્તા કે હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદે સંપત્તિ ભેગી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. બીજી તરફ, સ્થાનિક ભાજપ ધારાસભ્ય કૃષ્ણકાંત સાહાએ આ મામલે ઊંડાણપૂર્વકની નાણાકીય તપાસની માંગ કરી છે જેથી ગેરકાયદે સિન્ડિકેટ રાજનો સંપૂર્ણ પર્દાફાશ થઈ શકે.

(5:27 PM IST)