News of Thursday, 30th July 2026
NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટો ધડાકો: પ્રશ્નપત્ર બનાવનારા અને ટ્રાન્સલેટ કરનારા શિક્ષકોએ જ લીક કર્યા હતા પ્રશ્નો!
CBI ની તપાસમાં સળગતો ખુલાસો; પેપર સેટ કરનાર શિક્ષકોએ પોતાની યાદશક્તિના આધારે પ્રશ્નો લીક કરી રચ્યું હતું કૌભાંડ, NTA ને સિસ્ટમ સુધારવા ભલામણ

નવી દિલ્હી : દેશભરમાં ભારે વિવાદ અને રાજકીય ગરમાવો સર્જનાર NEET-UG 2026 પેપર લીક કેસમાં એક અત્યંત ચોંકાવનારો અને મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કોઈ બાહ્ય ગેંગ કે માફિયા દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું હતું, પરંતુ તપાસ એજન્સીઓના અહેવાલો અનુસાર આ છેતરપિંડી પાછળ કોઈ બહારનો વ્યક્તિ નહીં પરંતુ પ્રશ્નપત્ર તૈયાર કરનારા અને તેનું હિન્દીમાં ભાષાંતર કરનારા શિક્ષકો પોતે જ જવાબદાર હતા!
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈ (CBI) ની તપાસમાં સામે આવ્યું છે કે પ્રશ્નપત્ર સેટ કરવા અને ટ્રાન્સલેશન કરવાની જવાબદારી જે શિક્ષકોને સોંપવામાં આવી હતી, તેમણે પોતાની યાદશક્તિના આધારે પ્રશ્નો બહાર પહોંચાડીને આ આખું લીકેજ કૌભાંડ આચર્યું હતું.
દેશભરમાં રાજકીય ચકચાર અને વિરોધ પ્રદર્શનો
NEET-UG 2026 પેપર લીકના આ મુદ્દાએ સમગ્ર દેશમાં સળગતી ચર્ચા જગાવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનો, વિપક્ષના આકરા પ્રહારો અને વિવાદ વધતાં તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધીની સ્થિતિ સર્જાઈ હતી. આ કેસે દેશની સમગ્ર પરીક્ષા પ્રણાલી અને તેની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
CBI ની NTA ને કડક ભલામણ
પેપર લીકની પ્રક્રિયા અને શિક્ષકોની સંડોવણી સામે આવ્યા બાદ, કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને પોતાની પરીક્ષા પ્રક્રિયા, ગોપનીયતાના નિયમો અને પ્રશ્નપત્ર સેટિંગની સિસ્ટમમાં તાત્કાલિક ધોરણે મોટા સુધારા કરવાની કડક ભલામણ કરી છે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
