તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વાહનચાલકો માટે મોટો ઝટકો: દેશમાં હવે માત્ર E-20 પેટ્રોલ જ મળશે, શુદ્ધ ઇંધણ કે સસ્તા ઓપ્શનની આશા રાખનારાઓને સરકારે આપ્યો સ્પષ્ટ જવાબ!
દેશના ૨ લાખ પેટ્રોલ પંપો પર અલગ-અલગ ગ્રેડનું ઇંધણ આપવું લોજિસ્ટિકલી અશક્ય; ક્રૂડ ઓઇલ કરતાં ઇથેનોલ મોંઘું હોવાથી કિંમતો પણ નહીં ઘટે, આયાત બોજ ઘટાડવો એ જ એકમાત્ર લક્ષ્ય

નવી દિલ્હી : દેશભરમાં E-20 પેટ્રોલ (૨૦% ઇથેનોલ અને ૮૦% પેટ્રોલ) ના કારણે વાહનોની માઇલેજ ઘટવા અને એન્જિનને નુકસાન થવા અંગે ચાલી રહેલા વિવાદો અને અટકળો પર આજે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયે પૂર્ણવિરામ મૂકી દીધું છે. સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભવિષ્યમાં સામાન્ય જનતા માટે E-20 સિવાય શુદ્ધ પેટ્રોલ કે ઓછા ઇથેનોલવાળા (E-10) પેટ્રોલનો કોઈ બીજો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ સાથે જ ઇથેનોલના બ્લેન્ડિંગથી પેટ્રોલ સસ્તું થશે તેવી આશા રાખીને બેઠેલા વાહનચાલકોને પણ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સરકારે ભાવ ઘટાડવાની શક્યતાને પણ સદંતર ફગાવી દીધી છે.
બહુવિધ ગ્રેડનું ઇંધણ આપવું લોજિસ્ટિકલ આફત સમાન
પેટ્રોલિયમ મંત્રાલયે સમજાવ્યું છે કે ભારત જેવા વિશાળ દેશમાં અલગ-અલગ પ્રકારના પેટ્રોલ ગ્રેડ સપ્લાય કરવા એ લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ એક બહુ મોટો પડકાર છે. દેશની રિફાઇનરીઓ, તેલ ડેપો અને પાઇપલાઇન્સ દ્વારા અંદાજે ૨,૦૦,૦૦૦ પેટ્રોલ પંપ સુધી ઇંધણ પહોંચાડવામાં આવે છે. જો દરેક પંપ પર E-20 ની સાથે E-10 કે શુદ્ધ પેટ્રોલ વેચવાનું શરૂ કરાય, તો તેના માટે અબજો રૂપિયાનું નવું રોકાણ અને અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે, જે વ્યવહારિક રીતે અશક્ય છે. જ્યારે બજારમાં ઓછું પ્રદૂષણ કરતું અને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ છે, ત્યારે અન્ય વિકલ્પો આપવાનો કોઈ અર્થ નથી.
લક્ષ્યાંક પાંચ વર્ષ વહેલો પૂરો, પણ માઇલેજની ફરિયાદ
કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીનો રાખ્યો હતો, પરંતુ ભારતે આ સિદ્ધિ નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ વહેલી એટલે કે ગયા વર્ષે જ હાંસલ કરી લીધી છે. હાલમાં દેશના ખૂણે-ખૂણે માત્ર E-20 પેટ્રોલ જ વેચાઈ રહ્યું છે. જો કે, તાજેતરમાં જૂના વાહનચાલકો તરફથી વ્યાપક ફરિયાદો આવી હતી કે આ બળતણને કારણે એન્જિનમાં ખરાબી આવે છે અને માઇલેજ ઘટી જાય છે. આ અંગે સરકારે સ્વીકાર્યું છે કે જૂના વાહનોમાં માઇલેજ ૩ થી ૫ ટકા ઘટી શકે છે, પરંતુ તેની સામે આ ઇંધણનો ઓક્ટેન રેટ સારો હોવાથી વાહનનું પિકઅપ વધે છે અને તે એન્જિનને અંદરથી સાફ રાખવામાં પણ મદદ કરે છે.
જાણો કેમ સસ્તું નહીં થાય E-20 પેટ્રોલ?
સામાન્ય રીતે લોકોને એવું હતું કે સ્થાનિક સ્તરે અનાજ અને શેરડીમાંથી બનતું ઇથેનોલ ભળવાને કારણે પેટ્રોલના ભાવ ઘટશે. પરંતુ પેટ્રોલિયમ મંત્રાલયે તેની પાછળનું ગણિત સમજાવતા કહ્યું કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ ભલે હાલમાં બેરલ દીઠ $૭૦ ની આસપાસ હોય, પરંતુ ભારતમાં મકાઈ અને અનાજમાંથી બનતું ઇથેનોલ ₹૭૧.૮૬ પ્રતિ લીટરના ભાવે વેચાય છે. આ સ્થિતિમાં ઇથેનોલની મૂળ કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં પણ વધારે છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા માટે ઇંધણના ભાવ ઘટાડવાનો નથી, પરંતુ વિદેશોમાંથી મંગાવાતા ક્રૂડ ઓઇલ પરની ભારતની આયાત નિર્ભરતા અને આર્થિક બોજને ઓછો કરવાનો છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
