<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

મમતા બેનર્જીને મોટો ઝટકો: સ્પીકરે બળવાખોર જૂથના ઋતાબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે આપી માન્યતા

ભારે બહુમતી અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને, સ્પીકરે ત્વરિત નિર્ણય લેતા ઋતાબ્રત બેનર્જીના પક્ષમાં મહોર મારી

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો જ ગરમાવો આવી ગયો છે, જ્યાં ના વડા મમતા બેનર્જીને પોતાની જ પાર્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો સહન કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવિન્દ્રનાથ બોઝે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ બળવાખોર નેતા ઋતાબ્રત બેનર્જીને સત્તાવાર રીતે વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી દીધી છે. મમતા બેનર્જીએ તેમના અત્યંત વફાદાર અને વરિષ્ઠ નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા હતા, જેના કારણે પાર્ટીની અંદર લાંબા સમયથી ઉકળતો ચરુ બહાર આવ્યો અને એક મોટો બળવો ફાટી નીકળ્યો.

આ આંતરિક યુદ્ધ ત્યારે ચરમસીમાએ પહોંચ્યું જ્યારે ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી 60 ધારાસભ્યોએ ખુલ્લેઆમ મમતા બેનર્જીના આદેશને ફગાવી દીધો અને શોભનદેવ ચટ્ટોપાધ્યાયને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ તમામ 60 બળવાખોર ધારાસભ્યો ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળ સ્પીકર રવિન્દ્રનાથ બોઝને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. તેમણે સ્પીકર સમક્ષ દાવો કર્યો કે બહુમતી તેમની પાસે હોવાથી તેઓ જ વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ છે. ધારાસભ્યોની આ ભારે બહુમતી અને કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને, સ્પીકરે ત્વરિત નિર્ણય લેતા ઋતાબ્રત બેનર્જીના પક્ષમાં મહોર મારી દીધી છે.

સ્પીકરના આ ઐતિહાસિક નિર્ણય સાથે જ વિધાનસભામાં શક્તિ સંતુલન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સ્પીકરે માત્ર ઋતાબ્રત બેનર્જીને વિપક્ષના નેતાના સત્તાવાર રૂમની ચાવીઓ જ નથી સોંપી, પરંતુ આ નવા જૂથને સાચી ટીએમસી તરીકે સ્વીકારી લીધી છે. આ સાથે જ ગૃહમાં નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં જાવેદ અહેમદ ખાન, શબીના યાસ્મીન, શીલુ સાહ અને સંદીપન સાહને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે, જ્યારે અકીરાજમ્મા ગૃહમાં મુખ્ય દંડક (ચીફ વ્હીપ) ની જવાબદારી સંભાળશે. મમતા બેનર્જીના ગઢ ગણાતા બંગાળમાં આ બળવો આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો સર્જશે તે નક્કી છે.

(7:15 PM IST)