<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

લાલુ પરિવારને મોટો ઝટકો: રાબડી દેવીએ ૨૦ વર્ષ જૂનો '૧૦ સર્ક્યુલર રોડ' બંગલો ખાલી કરવો પડશે

નીતિશ કેબિનેટના દલિત ચહેરા અને મંત્રી નંદ કિશોર રામને આલીશાન સરકારી બંગલો ફાળવવાનો આદેશ થતાં રાજકારણ ગરમાયું

પટના: બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી સત્તા અને પ્રભાવનું કેન્દ્ર રહેલા લાલુ પ્રસાદ યાદવના પરિવારને નીતિશ-સમ્રાટ સરકારે મોટો રાજકીય આંચકો આપ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વરિષ્ઠ નેતા રાબડી દેવીને પટના સ્થિત તેમના ૨૦ વર્ષ જૂના સત્તાવાર નિવાસસ્થાન '૧૦ સર્ક્યુલર રોડ' બંગલાને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મકાન બાંધકામ વિભાગે આ મામલે કડક વલણ અપનાવીને રાબડી દેવીના સચિવને આખરી સત્તાવાર પત્ર પાઠવી દીધો છે, જેના કારણે લાલુ પરિવારની બે દાયકા જૂની યાદો અને સત્તાવાર સરનામું હવે બદલાઈ જશે.

આ હાઈ-પ્રોફાઈલ બંગલો હવે વર્તમાન એનડીએ સરકારના ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રી તેમજ અગ્રણી દલિત નેતા નંદ કિશોર રામને ફાળવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બંગલા સાથે લાલુ પરિવારની અનેક રાજકીય ચડાવ-ઉતારની ક્ષણો અને હોળી-છઠ પૂજા જેવી પારિવારિક યાદો જોડાયેલી છે. જોકે, રાબડી દેવી બિહાર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા હોવાને કારણે નિયમ મુજબ સરકારી આવાસના હકદાર છે, અને તે અંતર્ગત તેમને અગાઉ જ '૩૯ હાર્ડિંગ રોડ' પર નવો બંગલો ફાળવવામાં આવ્યો છે, પરંતુ પરિવારે હજુ સુધી ત્યાં મુકામ સ્થાનાંતરિત કર્યો નથી.

રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ભારે ચર્ચા જાગી છે, કારણ કે આ પ્રક્રિયાની શરૂઆત પૂર્વ મંત્રી અશોક ચૌધરીના કાર્યકાળ દરમિયાન થઈ હતી. તે સમયે રાષ્ટ્રીય જનતા દળે (RJD) શાસક પક્ષ પર લાલુ પરિવારને જાણીજોઈને પરેશાન કરવાનો અને રાજકીય કિન્નાખોરી રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે જ્યારે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની નવી સરકાર વહીવટી નિર્ણયો ઝડપથી લઈ રહી છે, ત્યારે આ નોટિસથી બિહારના રાજકીય ગરમાવા પર બળતામાં ઘી હોમાયું છે.

(10:26 PM IST)