<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ઝારખંડ રાજકારણમાં મોટો ધડાકો: મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટનો તગડો ફટકો : મની લોન્ડરિંગ કેસ પર સ્ટે આપવાની અરજી ફગાવી!

રાંચીના ચર્ચિત 8.86 એકર જમીન કૌભાંડ અને દસ્તાવેજોમાં હેરાફેરીના ગંભીર કેસમાં કાનૂની શિકંજો વધુ મજબૂત: નીચલી કોર્ટ.જ આરોપો ઘડવાની કાર્યવાહી હાથ ધરશે જ્યારે 14 ઓક્ટોબરે થશે ડિસ્ચાર્જ અરજી પર નિર્ણાયક સુનાવણી

રાંચી:  ઝારખંડના રાજકારણ અને કાનૂની ગલિયારાઓમાંથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી હેમંત સોરેનની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. જમીન સંપાદન સંબંધિત મની લોન્ડરિંગના બહુચર્ચિત કેસમાં સુનાવણી પર રોક લગાવવાની હેમંત સોરેન દ્વારા કરવામાં આવેલી અરજીને ઝારખંડ હાઈકોર્ટે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. અદાલતના આ કડક વલણથી સત્તાધારી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે મુખ્યામંત્રીને ઉચ્ચ અદાલત તરફથી કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત મળવામાં નિષ્ફળતા સાંપડી છે અને કાનૂની ગાળિયો વધુ કસાઈ રહ્યો છે.

આ સમગ્ર કાનૂની વિવાદ રાંચીના પોશ બાર્ગેન વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની 8.86 એકર જમીનના કથિત ગેરકાયદેસર કબ્જા, બનાવટી દસ્તાવેજોના નિર્માણ અને નાણાકીય ગોટાળા સાથે સંકળાયેલો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં સરકારી ચોપડે દસ્તાવેજો સાથે છેડછાડ કરીને કરોડોની જમીન પચાવી પાડવાનો ગંભીર આરોપ છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે સ્પેશિયલ ઈડી કોર્ટ શનિવાર, 19 સપ્ટેમ્બરના રોજ સોરેન સામે વિધિવત રીતે ચાર્જ ફ્રેમ (આરોપો નક્કી) કરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ કરશે.

બીજી તરફ, કેસમાંથી નામ બાકાત રાખવા માટે સોરેન પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવાના નિર્ણય સામે હવે આગામી 14 ઓક્ટોબરે હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટ અને હાઈકોર્ટ બંને સ્તરેથી એકસાથે કાનૂની કાર્યવાહી તેજ થતાં ઝારખંડના મુખ્યમંત્રી માટે રાજકીય અને કાનૂની બંને મોરચે ભારે કટોકટી ઊભી થઈ છે. આગામી દિવસોમાં યોજાનારી સુનાવણીઓ ઝારખંડના રાજકીય ભવિષ્ય અને સરકારની સ્થિરતા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

(7:07 PM IST)