<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ભારતને મોટો ઝટકો : રશિયા અને ઈરાન પાસેથી હવે નહીં મળે સસ્તું ઓઈલ : અમેરિકાએ છૂટ આપવાનો કર્યો ઇનકાર

રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત, ઈરાન માટે 19 એપ્રિલે સમાપ્ત થશે : છૂટ બાદ ભારતે રશિયા પાસેથી 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા

નવી દિલ્હી, તા.16 : ભારતને સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી મામલે મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા માટે આપવામાં આવેલી પ્રતિબંધોની છૂટ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી ભારત રહ્યો છે.

અહેવાલો અનુસાર, છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. 

રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલના રોજ સમાપ્ત થવા જઈ રહી છે. ટ્રમ્પ પ્રશાસને પોતાનું વલણ બદલીને આ છૂટ લંબાવવાનો ઇનકાર કર્યો છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથેની ઉચ્ચ સ્તરીય ટેલિફોનિક વાતચીત બાદ ભારત માટે ટેરિફ 25%થી ઘટાડી 18% કરવાની જાહેરાત કરી છે. સાથે જ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે. આ નિવેદનથી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે, જ્યારે ભારત સરકાર આ મુદ્દે મૌન છે.

બીજી તરફ, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકા તંત્રએ અચાનક વલણ બદલતા ઈરાની તેલ પર અસ્થાયી છૂટ આપી હોવાના અહેવાલ પણ છે. ત્રણ ભારતીય રિફાઇનિંગ સૂત્રોએ જણાવ્યું કે તે ઈરાની તેલ ખરીદવાની યોજના બનાવી રહ્યાં છે, પરંતુ તે માટે સરકારના નિર્દેશ અને અમેરિકાથી ચુકવણી જેવી શરતો પર સ્પષ્ટતાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.

(3:56 PM IST)