<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ઈલોન મસ્‍કને મોટો ઝટકોઃ એક જ દિવસમાં ૪૪.૪ અબજ ડોલર ગુમાવ્‍યા

ટેસ્‍લા-સ્‍પેસએક્‍સના શેર ધડામ : ટેસ્‍લાના શેર્સ ૫% અને સ્‍પેસએક્‍સના શેર્સ ૬%થી વધુ ઘટયાઃ મસ્‍કને એક જ દિવસમાં ૪૪.૪ અબજ ડોલરનું જંગી નુકસાન થયું, અને તેમની સંપત્તિ ૭૪૫ અબજ ડોલર થઈ ગઈ

 

ન્‍યુયોર્ક,તા.૨૩: ઈલોન મસ્‍કની કંપની ટેસ્‍લાના શેર્સમાં બુધવારે, ૨૨ જુલાઈના રોજ આશરે ૫% નો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ ઈલોન મસ્‍કની બીજી કંપની સ્‍પેસએક્‍સ ના શેર્સમાં પણ ૬%થી વધુનો કડાકો બોલ્‍યો હતો. કંપનીઓના શેર્સ તૂટવાના કારણે ઈલોન મસ્‍કને એક જ દિવસમાં ૪૪.૪ અબજ ડોલરનું જંગી નુકસાન વેઠવું પડ્‍યું છે. બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સ અનુસાર, હવે વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ ઈલોન મસ્‍કની કુલ સંપત્તિ ઘટીને ૭૪૫ અબજ ડોલર રહી ગઈ છે. ઉલ્‍લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ઈલોન મસ્‍ક ટ્રિલિયોનર બન્‍યા હતા.

એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળાના મિશ્ર પરિણામો જાહેર કર્યા બાદ ટેસ્‍લાના શેર્સમાં આ ઘટાડો જોવા મળ્‍યો હતો. જોકે, કંપનીની આવક અપેક્ષા કરતાં વધુ રહી હતી, પરંતુ નફામાં મોટો ઘટાડો અને નેગેટિવ ફ્રી કેશ ફલોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. એક્‍સટેન્‍ડેડ ટ્રેડિગમાં ટેસ્‍લાના શેર ૪.૪% ઘટીને ૩૭૪.૦૧ ડોલર પર આવી ગયા હતા. જ્‍યારે નિયમિત કારોબારમાં પણ શેર ૧.૩% તૂટ્‍યો હતો અને વર્ષ ૨૦૨૬માં અત્‍યાર સુધીમાં આ શેર ૧૫% જેટલો નીચે આવી ચૂક્‍યો છે.

ટેસ્‍લાની આ ત્રિમાસિક ગાળામાં કુલ આવક ૨૮.૨૪ અબજ ડોલર રહી હતી, જે ગયા વર્ષના સમાન ગાળા કરતાં ૨૬% વધુ છે. પરંતુ, કંપનીની શેર દીઠ કમાણી (EPS) માત્ર ૦.૩૩ ડોલર રહી હતી, જે વોલ સ્‍ટ્રીટની ૦.૫૧ ડોલરની અપેક્ષા કરતાં ખૂબ ઓછી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્‍ખો નફો પણ ગયા વર્ષની સરખામણીએ ૫% ઘટીને ૧.૧૧ અબજ ડોલર થઈ ગયો હતો.

કંપનીના ઓટોમોબાઈલ બિઝનેસની આવક વાર્ષિક ધોરણે ૨૩% વધીને ૨૦.૫૨ અબજ ડોલર થઈ છે. આ સિવાય, એનર્જી બિઝનેસમાં પણ આવક ૧૩% વધીને ૩.૧૪ અબજ ડોલર પર પહોંચી છે, જેમાં સોલર એનર્જી અને બેટરી સ્‍ટોરેજ સિસ્‍ટમનો સમાવેશ થાય છે. જોકે, કારની સરેરાશ વેચાણ કિમતમાં ઘટાડો થવાને કારણે ટેસ્‍લાનું કુલ પ્રોફિટ માર્જિન ઘટી ગયું હતું, જેના લીધે ગ્રોસ માર્જિન અગાઉના ૧૭.૨%થી ઘટીને ૧૬.૮% રહી ગયું છે.

ટેસ્‍લા માટે બીજી સૌથી મોટી ચિતા તેનો નેગેટિવ કેશ ફલો છે, જેમાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન ૧.૧ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય, કંપનીનો કેપેક્‍સ (મૂડી ખર્ચ) બમણાથી વધુ વધીને ૫.૭૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જે વાર્ષિક ધોરણે ૧૪૨% નો જંગી વધારો દર્શાવે છે. ઈલોન મસ્‍કની આ કંપનીના સીએફઓ વૈભવ તનેજાના જણાવ્‍યા અનુસાર, વર્ષ ૨૦૨૬ અને ત્‍યારબાદ પણ ટેસ્‍લાના કામકાજના ખર્ચમાં વધારો થતો રહેશે, જેમાં કાચા માલની ઊંચી કિમતો અને વ્‍યાજદરમાં આવતા ફેરફારો કંપનીના ખર્ચને વધુ વધારશે

(3:34 PM IST)