તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ડિજિટલ ઈન્ડિયાને મોટો ઝટકો: દેશભરમાં UPI ચાર્જ સામે જનઆક્રોશ, પેટ્રોલ પંપ અને બજારોમાં લાગ્યા "નો UPI, ઓન્લી કેશ" ના બોર્ડ!
NPCI ના રૂ. 2,000 થી વધુના P2M ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR વસૂલવાના નિર્ણય સામે વેપારીઓનો હલ્લાબોલ: 15 ઓક્ટોબર 2026 થી લાગુ થનારા ચાર્જ સામે પેટ્રોલ પંપ એસોસિએશન અને ટ્રેડ યુનિયનોએ ઉગામ્યું વિરોધનું શસ્ત્ર

નવી દિલ્હી: દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની કરોડરજ્જુ ગણાતી UPI સેવા પર વસૂલવામાં આવનારા નવા ચાર્જને લઈને અચાનક મોટો વિરોધ વકરી ગયો છે. દિલ્હી-NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ પંપ, CNG સ્ટેશન અને મુખ્ય જથ્થાબંધ બજારોમાં "નો UPI, ઓન્લી કેશ" ના પોસ્ટરો લગાવીને વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા રજૂ કરાયેલા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્ક સામે પેટ્રોલ પંપ એસોસિએશન અને ટ્રેડ યુનિયનોએ ખુલ્લી જંગ છેડી દીધી છે. ગ્રાહકો પાસેથી ભલે કોઈ ફી ન લેવાય, પરંતુ વેપારીઓ પર ઝીંકાયેલા આ વધારાના આર્થિક બોજને કારણે ડિજિટલ ઈન્ડિયા અભિયાનને મોટો ફટકો પડવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
દિલ્હીના કાશ્મીરી ગેટ, પલટન બજાર અને ઉત્તરાખંડના દૂન ઉદ્યોગ વ્યાપાર મંડળ સહિતના અગ્રણી વેપારી સંગઠનો ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) ના નેતૃત્વ હેઠળ શેરીઓમાં ઉતરી આવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ઇનકમ ટેક્સ અને GST ભરી રહ્યા છે, તેમજ પેટ્રોલ પંપ પર કમિશન માર્જિન પણ ખૂબ ઓછું છે. તેવામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ સહન કરવો તેમના માટે શક્ય નથી. ગ્રેટર નોઈડા અને દિલ્હીના અનેક પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી રહી છે અને માત્ર રોકડ અથવા ક્રેડિટ/ડેબિટ કાર્ડથી જ ચૂકવણી કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
નવા નિયમો અનુસાર 15 ઓક્ટોબર, 2026 થી ₹2,000 થી વધુના વ્યક્તિ-થી-વેપારી (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR લાગુ કરવાનો પ્રસ્તાવ છે, જેની મહત્તમ મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય સામે વેપારીઓએ માંગ કરી છે કે સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ચાર્જ લાદવાને બદલે સબસીડી આપવી જોઈએ. જો આ પ્રસ્તાવિત MDR પાછો ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં દેશના ખૂણે-ખૂણે "નો UPI" ના બોર્ડ જોવા મળશે તેવી કડક ચેતવણી વેપારી મંડળો દ્વારા આપવામાં આવી છે, જેણે સરકાર અને એનપીસીઆઈની ચિંતામાં તીવ્ર વધારો કર્યો છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
