તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
બિહાર કેબિનેટનો મોટો ધમાકો: ૨૨,૮૯૧ પદો પર બમ્પર ભરતી અને ભ્રષ્ટાચારીઓ પર કડક લગામ માટે પટણા-મુઝફ્ફરપુરમાં સ્થપાશે વિશેષ કોર્ટ!
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં ૨૪ મહત્વપૂર્ણ પ્રસ્તાવ મંજૂર: આંગણવાડી વર્કર્સ, એન્જિનિયરિંગ કોલેજો માટે ₹૧૨૧ કરોડનું બજેટ અને બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવા સહિતના વિઝનરી નિર્ણયો

પટણા : બિહારમાં રોજગારી અને સુશાસનની દિશામાં રાજ્ય સરકારે મોટો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં કુલ ૨૪ મહત્વકાંક્ષી દરખાસ્તોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણયોમાં રાજ્યભરમાં ૨૨,૮૯૧ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની ભરતી કરવાની સાથે ભ્રષ્ટાચારના કેસોની ઝડપી સુનાવણી માટે પટણા અને મુઝફ્ફરપુરમાં ૩ નવી વિશેષ અદાલતો ખોલવાની મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે.
૨૨,૮૯૧ પદો પર ભરતી અને એજ્યુકેશન બજેટ:
રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણને મજબૂત કરવાના હેતુથી ૨૨,૮૯૧ આંગણવાડી સેવિકા અને સહાયિકાઓની ભરતી કરવામાં આવશે. જેમાં ૬,૧૪૧ જગ્યાઓ આંગણવાડી કાર્યકરો અને ૧૬,૭૫૦ જગ્યાઓ સહાયકો માટે અનામત રખાશે, જેના માટે સુધારેલી નવી માર્ગદર્શિકા મંજૂર કરાઈ છે. વધુમાં, બિહારની ૩૮ એન્જિનિયરિંગ કોલેજો અને ૪૬ પોલિટેકનિક સંસ્થાઓમાં આધુનિક કમ્પ્યુટર્સ તથા મશીનરી માટે ₹૧૨૦.૯૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અને ઈ-કેબિનેટ:
સરકારે ભ્રષ્ટાચારીઓ સામે શિકંજો કસવા પટણામાં બે અને મુઝફ્ફરપુરમાં એક વિશેષ કોર્ટની રચના કરીને ખાસ ન્યાયાધીશના પદો ઉભા કર્યા છે. આ સિવાય, ૧૯ ન્યાયિક જિલ્લાઓમાં SC/ST કાયદા હેઠળના કેસો માટે ૧૯ વિશેષ ન્યાયાધીશ પદો મંજૂર કરાયા છે. પટણામાં કેન્દ્રીય એજન્સી NIA માટે નવી ઓફિસ બિલ્ડિંગ હેતુ જમીન ટ્રાન્સફર કરવામાં આવી છે અને સરકારી વહીવટમાં પારદર્શિતા વધારવા 'ઈ-કેબિનેટ સિસ્ટમ' અમલી બનાવવાનો નિર્ણય કરાયો છે.
ખેડૂતો અને માળખાકીય સુવિધાઓ માટે બમ્પર ગ્રાન્ટ:
બિહારમાં રમતગમત નીતિ-૨૦૨૬ અને સહકારી નીતિ-૨૦૨૬ ને મંજૂરી આપવાની સાથે દરભંગા અને મધુબનીમાં વર્ષોથી બંધ ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. કૃષિ ક્ષેત્રે 'કૃષિ યાંત્રિકીકરણ યોજના' માટે ₹૨૩૬.૫૮ કરોડ, વર્મીકમ્પોસ્ટ યુનિટ માટે ₹૩૦.૧૭ કરોડ તથા સૂક્ષ્મ સિંચાઈ માટે ₹૯૭.૪૮ કરોડનું બજેટ ફાળવાયું છે. જમુઈ જિલ્લામાં ₹૧૫૦ કરોડના ખર્ચે બે નવા પુલ અને કિશનગંજ-લખીસરાયમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ્સને પણ વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
