તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયે મૌન તોડી રામભક્તોને લખ્યો ભાવુક અને આકરો પત્ર
મારું 45 વર્ષનું જીવન ખુલ્લી કિતાબ છે : પોતાના પર લાગેલા ગંભીર આરોપો વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ એસઆઈટી (SIT) ના અહેવાલ અને વિપક્ષી પ્રહારો પર આપ્યો સણસણતો જવાબ

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં દાનની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે હોબાળા વચ્ચે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આખરે પોતાનું મૌન તોડ્યું છે. ૬ જૂન, ૨૦૨૬થી સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ચાલી રહેલી તીખી ચર્ચાઓ અને પોતાના પર લાગેલા વ્યક્તિગત આરોપોનો જવાબ આપતા તેમણે દેશભરના રામભક્તોને સંબોધીને એક પત્ર જાહેર કર્યો છે. ચંપત રાયે આ પત્રમાં અત્યંત આક્રમક છતાં સંયમિત લહેજામાં લખ્યું છે કે, અત્યાર સુધી ફેલાવવામાં આવી રહેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને તેઓ માત્ર કાયદાકીય પ્રક્રિયાના માનમાં મૌન બેઠા હતા. મંદિર ટ્રસ્ટની આસપાસ રચાયેલા કથિત દુષ્કૃત્યોના આક્ષેપોને ખોટા સાબિત કરવા માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નો પ્રારંભિક અહેવાલ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ચૂક્યો છે, જે સત્યને ઉજાગર કરવાની દિશામાં પહેલું પગલું છે.
પોતાના પત્રના અંતમાં ચંપત રાયે રામભક્તોને સંપૂર્ણ ખાતરી આપતા જણાવ્યું છે કે આ પ્રારંભિક અહેવાલને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો હોવા છતાં, ટૂંક સમયમાં જ જ્યારે SITનો અંતિમ (ફાઇનલ) રિપોર્ટ સામે આવશે, ત્યારે તેઓ વ્યવસ્થિત અને ષડયંત્રના ભાગરૂપે ફેલાવવામાં આવી રહેલા એક-એક પ્રશ્નનો પુરાવા સાથે સણસણતો જવાબ આપશે. પોતાના સમર્પણને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, ઓક્ટોબર ૧૯૯૧માં સંગઠન દ્વારા તેમને અયોધ્યાની પવિત્ર ધરતી પર સેવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને એક પ્રચારક તરીકેનું તેમનું ૪૫ વર્ષનું જાહેર જીવન રામભક્તો સામે હંમેશા ખુલ્લી કિતાબ જેવું પવિત્ર રહ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ અયોધ્યાના સંતો અને કરોડો ભક્તોમાં એક નવો ગરમાવો આવી ગયો છે અને હવે સૌ કોઈ SIT ના આખરી ચુકાદાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી દાન ચોરી પાછળનું અસલી સત્ય દુનિયાની સામે આવી શકે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
