News of Sunday, 13th September 2026
સીઆઈએના ગુપ્ત દસ્તાવેજોનો મોટો ધડાકો: 9/11 પહેલાં ઓસામા બિન લાદેનના હિટ લિસ્ટમાં સામેલ હતું ભારત
અમેરિકી ગુપ્તચર એજન્સીના ડિક્લાસિફાઇડ અહેવાલોમાંથી ખુલાસો; ૧૯૯૮ના પ્રેટિડેન્શિયલ બ્રીફ મુજબ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે ભારત પણ હતું અલ-કાયદાના નિશાના પર.

નવી દિલ્હી :અમેરિકામાં સપ્ટેમ્બર ૨૦૦૧માં થયેલા વિનાશક ૯/૧૧ આતંકવાદી હુમલાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમેરિકી ગુપ્તચર સંસ્થા ‘સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી’ (CIA) દ્વારા જાહેર કરવામાં આવેલા ૭૦થી વધુ અત્યંત ગુપ્ત અને ડીક્લાસિફાઇડ દસ્તાવેજોમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ૧૧ સપ્ટેમ્બરના ભયાનક હુમલાના વર્ષો પહેલા એટલે કે ૨૮ ઓગસ્ટ ૧૯૯૮ના ‘પ્રેસિડેન્શિયલ ઇન્ટેલિજન્સ બ્રીફ’ મુજબ અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મોટા આતંકી હુમલા કરવાની ઘોર યોજના બનાવી રહ્યો હતો.
ઘટનાની વિગતવાર વિગતો આપતા સીઆઈએના ૧૦૦થી વધુ પાનાના જાહેર થયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે "બિન લાદેન ટેરરિસ્ટ નેટવર્ક સ્ટીલ એ થ્રેટ" શીર્ષક ધરાવતા આ ગુપ્ત અહેવાલમાં અમેરિકી સૈન્ય કાર્યવાહી બાદ પણ અલ-કાયદાનું આંતરરાષ્ટ્રીય માળખું સક્રિય રહ્યું હતું, જેમાં બિન લાદેને જે દેશોને પોતાના હિટ લિસ્ટમાં લીધા હતા તેમાં ભારતનું નામ અગ્રતાક્રમે સામેલ હતું તેમજ ભારત ઉપરાંત પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, યુગાન્ડા અને નાઇજીરિયા જેવા દેશો પણ આતંકી નેટવર્કના સીધા નિશાના પર હતા.
સીઆઈએના આ દસ્તાવેજી પુરાવાઓ દર્શાવે છે કે તત્કાલીન સમયમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સાથે લાદેનને ગાઢ સંબંધો હતા અને તાલિબાનોએ તેને અમેરિકાને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેઓ સોવિયેત સંઘ સામેના યુદ્ધ વખતે લાદેન દ્વારા મળેલી મદદ પ્રત્યે આભારી હતા; આ ઉપરાંત આ ગુપ્ત ફાઇલોમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે લાદેન માત્ર પરંપરાગત હુમલાઓ જ નહીં પરંતુ કેમિકલ, બાયોલોજિકલ અને રેડિયોલોજિકલ શસ્ત્રો પ્રાપ્ત કરવાની પણ ગંભીર મથામણમાં હતો.
તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને જોર્જ ડબલ્યુ બુશના શાસનકાળ દરમિયાન વ્હાઇટ હાઉસને આપવામાં આવેલી આ ગુપ્તચર માહિતીઓ દર્શાવે છે કે અલ-કાયદાની વૈશ્વિક યોજનાઓ કેટલી ભયાનક હતી, અને અઢી દાયકા બાદ બહાર આવેલી આ સિક્રેટ ફાઇલોએ તે સમયે દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારત પર તોળાઈ રહેલા આતંકવાદી જોખમની ગંભીરતાને ફરી એકવાર વૈશ્વિક સ્તરે છતી કરી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી રણનીતિઓ પર લાંબી અસરો જોવા મળી રહી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
