News of Thursday, 12th November 2026
ટ્રેનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પ્રવાસીઓ માટે મોટો ધડાકો: IRCTC દ્વારા ૧૪ નકલી વેબસાઇટ્સ જાહેર
અનધિકૃત પ્લેટફોર્મ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની સાથે નાણાકીય છેતરપિંડીનું જોખમ ઊભી કરી રહ્યા છે, રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર એપ કે હેલ્પલાઇન નંબર ૧૩૨૩નો ઉપયોગ કરવા ખાસ અપીલ

નવી દિલ્હી, તા.૧૨: ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન મુસાફરોની સુવિધા માટે ઓનલાઈન ફૂડ ડિલિવરીનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ તેની સાથે જ સાયબર ઠગાઈ અને નકલી વેબસાઇટ્સનું જોખમ પણ વધી ગયું હોવાથી IRCTC દ્વારા અત્યંત મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવેની ગવર્નિંગ બોડી દ્વારા ટ્રેન પ્રવાસીઓને સુરક્ષિત રાખવાના હેતુસર ૧૪ અનધિકૃત અને નકલી ફૂડ ડિલિવરી વેબસાઇટ્સની યાદી જાહેર કરવામાં આવી છે, જે ગ્રાહકોના ડેટાની ચોરી અને આર્થિક નુકસાનનું મોટું કારણ બની રહી છે.
આ નકલી પ્લેટફોર્મ્સ ઘણીવાર લાયસન્સ વગરના અને FSSAIના નિયમોનું પાલન ન કરતા ધાબાઓ કે રેસ્ટોરન્ટ્સમાંથી હીન કક્ષાનો ખોરાક સપ્લાય કરતા હોય છે, જેનાથી પ્રવાસીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે તેમજ પેમેન્ટ કર્યા બાદ સમયસર ઓર્ડર ન મળવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આવી બિનસત્તાવાર સાઇટ્સ પર ઓર્ડર આપતી વખતે PNR નંબર અને સંવેદનશીલ બેંકિંગ વિગતો દાખલ કરવાથી ડેટા લીક થવાની અને સાયબર ફ્રોડનો ભોગ બનવાની પૂરી શક્યતા રહે છે.
આ સમસ્યાથી બચવા માટે IRCTC દ્વારા સત્તાવાર ઇ-કેટરિંગ વેબસાઇટ અથવા 'ફૂડ ઓન ટ્રેક' એપ્લિકેશનનો ઉપયોગ કરવા તેમજ ઇન્ટરનેટ વગર હેલ્પલાઇન નંબર ૧૩૨૩ પર કોલ કરીને અધિકૃત માધ્યમોથી જ ભોજન મંગાવવા સલાહ આપવામાં આવી છે.
આગામી સમયમાં રેલવે પ્રશાસન દ્વારા આવી નકલી વેબસાઇટ્સ અને ઓનલાઈન છેતરપિંડી આચરનારાઓ સામે વધુ કડક સાયબર સુરક્ષા પગલાં લેવામાં આવશે, જેથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા અબાધિત રહી શકે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
