તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક સત્તા સમીકરણો વચ્ચે ભારતના સમર્થનમાં મોટો ધડાકો: યુએન સુરક્ષા પરિષદની કાયમી બેઠક માટે રશિયાએ ભારતની દાવેદારીને આપ્યું મજબૂત સમર્થન
વિશ્વ મંચ પર ચીન સિવાયના તમામ કાયમી સભ્યો ભારતની કાયમી સભ્યપદની માગણી સાથે સહમત થતાં ભારતીય કૂટનીતિનો મોટો વિજય, સુરક્ષા પરિષદમાં સુધારા માટે રશિયાના વિદેશ મંત્રીએ ભારત અને બ્રાઝિલના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો

ન્યૂયોર્ક:સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સુરક્ષા પરિષદ (UNSC) માં વ્યાપક સુધારા અને તેના વિસ્તારની લાંબા સમયથી ચાલી રહેલી માગણી વચ્ચે વૈશ્વિક રાજકારણના આંતરરાષ્ટ્રીય મંચ પરથી એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિશ્વની મહાસત્તા ગણાતા રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન ભારતની સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકની દાવેદારીનું ખુલ્લેઆમ અને મજબૂત સમર્થન કર્યું છે. રશિયાના આ વલણથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય કૂટનીતિની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરતી વખતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે વૈશ્વિક પરિદ્રશ્યમાં આવી રહેલા બદલાવોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સુરક્ષા પરિષદને વધુ સમાવેશી અને પ્રાસંગિક બનાવવા માટે તેનો વિસ્તાર કરવો અત્યંત જરૂરી બન્યો છે. આ વિસ્તારમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા ક્ષેત્રોના વિકાસશીલ દેશોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે ભારત અને બ્રાઝિલ જેવા ઉભરતા અને પ્રભાવશાળી દેશોના નામનો ઉલ્લેખ કરીને સુરક્ષા પરિષદમાં તેમની કાયમી સ્થાન માટેની યોગ્યતા પર ભાર મુક્યો હતો.
નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલ પાંચ કાયમી સભ્યો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) છે, જેઓ પાસે વીટો પાવર છે. લાંબા સમયથી ભારત આ પરિષદમાં કાયમી સ્થાન માટે દાવો કરી રહ્યું છે, કારણ કે ભારત વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે અને વૈશ્વિક અર્થતંત્ર તથા શાંતિ રક્ષા મિશનોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
રશિયાના આ ખુલ્લા સમર્થન બાદ હવે સુરક્ષા પરિષદના પાંચમાંથી ચાર કાયમી સભ્યો—અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ—ભારતની કાયમી બેઠક માટેની દાવેદારીને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી ચૂક્યા છે. માત્ર ચીન એકમાત્ર એવો કાયમી સભ્ય દેશ છે જે ભારતના પ્રવેશ સામે વિવિધ તકનીકી બહાના હેઠળ આડકતરો વિરોધ કે અડચણો ઊભી કરતું આવ્યું છે.
ગ્લોબલ સાઉથના દેશોના અવાજ તરીકે ઉભરી રહેલા ભારત માટે રશિયા તરફથી મળેલો આ મજબૂત સાથ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ વધુ ઊંચું કરે છે. વૈશ્વિક કૂટનીતિના આ વિજયથી સંયુક્ત રાષ્ટ્રની સંરચનામાં આ Radical બદલાવની દિશામાં નવી ચર્ચા અને ધમધમાટ શરૂ થઈ ગયો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
