તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
દિલ્હીના રાજકારણમાં મોટો ધમાકો: રાષ્ટ્રહિત માટે ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, ભાજપ નેતાઓએ ગણાવ્યો ઐતિહાસિક અને નૈતિક નિર્ણય!
પરીક્ષા ગેરરીતિઓના વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, ભાજપ પ્રમુખ નીતિન નબીન, દિલ્હી અને ગોવાના મુખ્યમંત્રીઓ સમર્થનમાં આવ્યા આગળ

નવી દિલ્હી : દેશના રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત સળગતા અને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને લઈને ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને જવાબદારીની માંગ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં ભાજપના તમામ શીર્ષ નેતાઓએ ધર્મેન્દ્ર પ્રધાનના આ નિર્ણયને બિરદાવતા તેને "જાહેર જીવનમાં નૈતિકતા અને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ" ગણાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં ઐતિહાસિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પક્ષના હિત અને રાષ્ટ્રહિતને વૈયક્તિક પદથી ઉપર રાખવાના આ નિર્ણયમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટી તેમની સાથે મજબૂતીથી ઊભી છે.
બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ નિર્ણયને આવકારતા કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને હંમેશા રાષ્ટ્રના હિતને સર્વોપરી રાખ્યું છે. તેમણે ભારતીય ભાષાઓમાં શિક્ષણ, ટેકનિકલ શિક્ષણનો વિસ્તાર અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરવા જેવા અર્થપૂર્ણ સુધારા કર્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ ઉમેર્યું કે, વિદ્યાર્થી નેતાથી લઈને ઉજ્જવલા યોજના દ્વારા કરોડો ઘરો સુધી ગેસ પહોંચાડવા અને પછી શિક્ષણ મંત્રાલય સંભાળવા સુધીની તેમની 4 દાયકાની સફર અદ્ભુત રહી છે.
કેન્દ્રીય મંત્રીમંડળમાંથી ધર્મેન્દ્ર પ્રધાનના અચાનક પદ છોડવાથી રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે. જોકે ભાજપના અગ્રણી નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાન ભવિષ્યમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પોતાનું વિશેષ યોગદાન આપતા રહેશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
