<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સંરક્ષણ ક્ષેત્રે મોટો ધડાકો: ભારત સશસ્ત્ર દળો માટે ₹2.12 લાખ કરોડના શસ્ત્રો ખરીદશે : ત્રણેય દળોની તાકાતમાં થશે મોટો વધારો

રાજનાથ સિંહની અધ્યક્ષતામાં DAC ની બેઠકમાં મંજૂરી: 82% ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી કરીને ‘આત્મનિર્ભર ભારત’ને વેગ અપાશે

નવી દિલ્હી : ભારતીય સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતા અને આધુનિકીકરણને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠકમાં ભારતીય સેના (આર્મી), ભારતીય નૌકાદળ (નેવી) અને ભારતીય વાયુસેના (એરફોર્સ) માટે આશરે ₹2.12 લાખ કરોડના વિવિધ શસ્ત્રો, ડ્રોન અને લશ્કરી પ્રણાલીઓના ખરીદ પ્રસ્તાવોને મંજૂરી

આ મંજૂરી હેઠળ સેના અને વાયુસેના માટે હળવા મલ્ટી-રોલ હેલિકોપ્ટર ખરીદવામાં આવશે, જે રિકોનિસન્સ, લડાઇ, શોધી-બચાવ અને આપત્તિ રાહત કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત મુશ્કેલ ભૂપ્રદેશમાં હિલચાલ માટે હાઇ મોબિલિટી વાહનો, યાંત્રિક ટુકડીઓ માટે સ્વ-સંચાલિત ટ્રેક્ડ ગન સિસ્ટમ અને સ્થિતિની વાસ્તવિક માહિતી આપતી ગન શોટ રિસ્પોન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.

હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે VSHORADS (વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ) અને ટેન્કોના રક્ષણ માટે કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ મંજૂર કરાઈ છે. આ સિવાય લાંબા અંતરના સર્વેલન્સ ડ્રોન, ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ એન્ડ સ્ટ્રાઇક સિસ્ટમ્સ અને લાંબા અંતરના કામિકાઝ ડ્રોન સિસ્ટમ્સ સેનાની દેખરેખ અને ટાર્ગેટિંગ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

નૌકાદળ માટે આધુનિક એન્ટી-શિપ મિસાઇલો સામે રક્ષણ આપતી એક્ટિવ ઓફબોર્ડ ડેકોય સિસ્ટમ અને સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા મોટા નૌકાદળ પ્લેટફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. વાયુસેના માટે હેલિકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ્સ અને સરહદી અને આગળના વિસ્તારોમાં ચોક્કસ હવામાનની માહિતી આપવા માટે મોબીલ એક્સ-બેન્ડ ડોપ્લર વેધર રડાર સિસ્ટમ્સને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ મંજૂરીની સૌથી મોટી ખાસિયત એ છે કે કુલ ₹2.12 લાખ કરોડના પ્રસ્તાવોમાંથી આશરે 82 ટકા હિસ્સાની ખરીદી ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને સ્થાનિક કંપનીઓ પાસેથી કરવામાં આવશે. આ નિર્ણયથી 'આત્મનિર્ભર ભારત' અભિયાનને મોટું પ્રોત્સાહન મળશે, દેશમાં લશ્કરી સરંજામનું ઉત્પાદન વધશે, નવી રોજગારીની તકો ઉભી થશે અને સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટી જશે.

(6:50 PM IST)