<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

બંગાળના રાજકારણમાં મોટો ધમાકો: TMC નાં પૂર્વ સાંસદ અને અભિનેત્રી કોયલ મલ્લિકને ભાજપે આપી રાજ્યસભાની ટિકિટ

મમતા બેનર્જીના ખાસ ગણાતા બંગાળી સિનેમાના 'ટોલી-ક્વીન' કોયલ મલ્લિકનો ભાજપમાં પ્રવેશ : TMCમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપ તરફથી સંસદના ઉચ્ચ ગૃહમાં પહોંચશે : ઉત્તરાખંડથી દિનેશ આર્ય પણ ઉમેદવાર જાહેર

નવી દિલ્હી :  પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અત્યંત રસપ્રદ અને નાટ્યાત્મક વળાંક આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં બંગાળી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેત્રી કોયલ મલ્લિકને પશ્ચિમ બંગાળથી પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે ઉત્તરાખંડથી દિનેશ આર્યના નામ પર પણ મોહર લગાવી છે. ક્યારેક તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યંત નજીકના સહયોગી મનાતા કોયલ મલ્લિક હવે કમળના નિશાન સાથે સંસદમાં પ્રવેશવા માટે તૈયાર છે.

બંગાળી સિનેમામાં 'ટોલી-ક્વીન' તરીકે ઓળખાતા કોયલ મલ્લિકનું સાચું નામ રુક્મિણી મલ્લિક છે અને તેઓ જાણીતા અભિનેતા રંજીત મલ્લિકના પુત્રી છે. તેમની રાજકીય સફરની વાત કરીએ તો, તેઓ અગાઉ TMC ના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે, બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલી આંતરિક ઉથલપાથલ અને મતભેદો વચ્ચે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને બંગાળના ગ્લેમર અને રાજકારણ બંને ક્ષેત્રે મોટો દાવ ખેલ્યો છે.

શિક્ષણ અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ કોયલ મલ્લિકનું વર્ચસ્વ નોંધપાત્ર છે. કોલકાતાની ગોખલે મેમોરિયલ ગર્લ્સ કોલેજમાંથી મનોવિજ્ઞાન  માં સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા કોયલ મલ્લિક સોશિયલ મીડિયા પર પણ કરોડો ચાહકો ધરાવે છે, જ્યાં એકલા ઇન્સ્ટાગ્રામ પર જ તેમના ૩.૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ૨૦૧૩માં નિસ્પલ સિંહ સાથે લગ્નગ્રંથીથી જોડાયેલા આ અભિનેત્રી હવે રાજ્યસભામાં ભાજપનો અવાજ બનીને બંગાળના રાજકીય સમીકરણોમાં કેટલો ફેરફાર લાવે છે તેના પર સૌની નજર રહેશે.

(6:21 PM IST)