તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
બેન્કિંગ સેક્ટરમાં મોટો ધડાકો : કોટક મહિન્દ્રા બેન્ક હવે AU સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં 9.99% હિસ્સો ખરીદશે
RBI એ આપી મંજૂરી : પ્રાઈવેટ બેન્કિંગ ક્ષેત્રે મોટા રોકાણ અને વ્યૂહાત્મક જોડાણના સંકેત : AU બેન્કનો નફો 65% વધતા રોકાણકારોનો ભરોસો વધ્યો

મુંબઈ: ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા કોટક મહિન્દ્રા બેન્કને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં 9.99% સુધીની હિસ્સેદારી ખરીદવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે કોટક ગ્રુપ AU બેન્કમાં મોટું રોકાણ કરી શકશે, જેને બજારના નિષ્ણાતો લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી તરીકે જોઈ રહ્યા છે.
કોટક ગ્રુપની મજબૂત પકડ:
AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે શેરબજારને આપેલી માહિતી મુજબ, કોટક મહિન્દ્રા બેન્ક તેની સહયોગી કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય સ્કીમ્સ દ્વારા મળીને બેન્કમાં કુલ 9.99% હિસ્સો મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે કોટક ગ્રુપ અગાઉથી જ આ બેન્કમાં રોકાણ ધરાવે છે. માર્ચ 2026 ના આંકડા મુજબ, કોટક ફ્લેક્સિકેપ ફંડ પાસે પહેલેથી જ અંદાજે 1.60% હિસ્સો છે, જેમાં હવે મોટો વધારો જોવા મળશે.
શા માટે AU બેન્ક પસંદગી પામી?
AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરના માર્ચ ક્વાર્ટરના પરિણામો મુજબ, બેન્કનો નફો 65% વધીને ₹832 કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે જ બેન્કની વ્યાજની આવક, ડિપોઝિટ અને લોન બુકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે બેન્કે તેના એનપીએ (NPA) એટલે કે ખરાબ દેવામાં પણ સુધારો કર્યો છે, જેના કારણે મોટા રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
રોકાણકારોની કતાર:
માત્ર કોટક જ નહીં, પરંતુ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઈફ, ઈન્વેસ્કો, ડીએસપી મિડકેપ જેવા મોટા ફંડ્સ તેમજ એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ જેવી વીમા કંપનીઓએ પણ આ બેન્કમાં વિશ્વાસ મૂકીને રોકાણ કર્યું છે.
બજાર પર અસર:
આ સમાચારની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે કોટક મહિન્દ્રા બેન્કનો શેર પણ મજબૂતી સાથે કારોબાર કરતો જણાયો હતો. માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે મોટા બેન્કો દ્વારા નાના પરંતુ ઝડપથી વિકસતા બેન્કોમાં હિસ્સેદારી વધારવાની આ ઘટના આવનારા સમયમાં સ્પર્ધા વધુ તેજ બનાવશે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
