તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વૈશ્વિક તેલ યુદ્ધ વચ્ચે મોટો ધડાકો: રિલાયન્સ-નાયરા જેવા ખાનગી દિગ્ગજો મલામાલ : સરકારી કંપનીઓને દરરોજ ₹530 કરોડનું ભયાનક નુકસાન
વૈશ્વિક સ્તરે ડીઝલના ભાવ આસમાને પહોંચતા અને રશિયા-ચીન જેવા દેશો દ્વારા નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવતા ક્રૂડ આઈલ માર્કેટમાં ભારે અફરાતફરી : સસ્તી આયાત અને ધૂમ નિકાસથી ખાનગી રિફાઇનરો ખુશ : જ્યારે દેશમાં ભાવ વધારવાની મનાઈ હોવાથી સરકારી તેલ કંપનીઓની કમર ભાંગી

મુંબઈ : વૈશ્વિક ઉર્જા બજારમાં હાલ એક મોટું ચિત્ર સામે આવ્યું છે, જેમાં ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલનો ભાવ પ્રતિ બેરલ $164.5 પર પહોંચી જતાં લાંબા ગાળાની સરેરાશ સામે માર્જિન અનેક ગણા વધી ગયા છે. આ વૈશ્વિક તેલ સંકટનો સૌથી મોટો ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રશિયન રોઝનેફ્ટ સંચાલિત નાયરા એનર્જી જેવી ખાનગી રિફાઈનરીઓને મળી રહ્યો છે, જેઓ ધૂમ નિકાસ કરીને જંગી નફો રળી રહી છે. સરકાર દ્વારા નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે અને જામનગર SEZ જેવી રિફાઇનરીઓને આમાંથી મુક્તિ મળેલી હોવાથી ખાનગી કંપનીઓની કમાણી નવી ઊંચાઈઓ આંબી રહી છે.
બીજી તરફ, દેશની અંદર ઇંધણનો પુરવઠો જાળવી રાખવાની જવાબદારી નિભાવી રહેલી સરકારી તેલ કંપનીઓ (OMCs) માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંબઈ સ્થિત વિશ્લેષકો અને ICRA ના રિપોર્ટ અનુસાર, દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ મર્યાદિત રાખવાને કારણે સરકારી કંપનીઓ પંપ પર વેચાતા પ્રતિ લિટર ડીઝલ પર ₹20 થી ₹30 સુધીનું ભારે નુકસાન વેઠી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરોના વેચાણ પર સરકારી કંપનીઓને દરરોજ ₹530 કરોડનું મસમોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે રિફાઇનિંગમાંથી મળતું સરેરાશ માર્જિન પણ આ ખોટને પહોંચી વળવા અપૂરતું પુરવાર થઈ રહ્યું છે.
વૈશ્વિક સ્તરે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ બાદ G7 દેશોએ 100 મિલિયન બેરલ તેલ બજારમાં છોડવાની જાહેરાત કરી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું માત્ર ક્ષણિક રાહત આપી શકે તેમ છે. શિયાળો નજીક આવી રહ્યો છે, યુએસ ડીઝલનો સ્ટોક તળિયે છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભડકા વચ્ચે રશિયા તથા ચીને ડીઝલ નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે, સ્થાનિક સ્તરે માંગમાં નોંધપાત્ર વધારો થવા છતાં અને જૂનમાં રેકોર્ડ 2.14 મિલિયન બેરલ પ્રતિ દિવસનો વપરાશ નોંધાયા છતાં, આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે ભારતીય સરકારી ઓઇલ કંપનીઓ પરનું નાણાકીય દબાણ આગામી દિવસોમાં વધુ ઘેરું બને તેવી પૂરેપૂરી આશંકા છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
