News of Thursday, 15th October 2026
ગૂગલ ઓર્ગેનાઈઝેશન દ્વારા મોટી જાહેરાત: ભારતીય MSME સેક્ટરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ કરવા માટે ૧.૫ કરોડ ડોલરનું ફંડ જાહેર, નાના ઉદ્યોગોને મળશે નવું બળ!
ભારતના આર્થિક કરોડરજ્જુ સમાન નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને ટેક્નોલોજીનીદુનિયામાં આગળ લાવવા માટે ગૂગલની પરોપકારી સંસ્થા Google.org દ્વારા 'ધ/નજ્જ' (The/Nudge) ના સહયોગથી ૧.૫ કરોડ ડોલરના વિશેષ ફંડની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હી : ભારતમાં આર્થિક વિકાસ અને રોજગારીમાં મોટું યોગદાન આપનાર MSME ક્ષેત્ર માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ૯ કરોડથી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો આવેલા છે જે ૩૪.૫ કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. જોકે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સ્પર્ધા વચ્ચે આ ઉદ્યોગોને આધુનિક બનાવવા માટે ટેક્નોલોજી અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગૂગલની પરોપકારી શાખા Google.org દ્વારા ૧૫ મિલિયન ડોલર (આશરે રૂ. ૧૪૨ કરોડથી વધુ) નું જંગી ફંડ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ નવી પહેલનો મુખ્ય હેતુ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Gen AI) આધારિત પ્રોડક્ટિવિટી ટૂલ્સને નાના ઉદ્યોગો સુધી પહોંચાડવાનો છે. સામાન્ય રીતે અદ્યતન એઆઈ સેવાઓ અને સબસ્ક્રિપ્શન નાના વ્યવસાયો માટે ખૂબ મોંઘા સાબિત થતા હોય છે, જેના કારણે તેઓ આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ શકતા નથી. આ નવા ફંડ દ્વારા MSME સેક્ટર ઓછી વર્કફોર્સ સાથે પણ વધુ ઉત્પાદકતા હાંસલ કરી શકશે અને વૈશ્વિક બજારમાં ટક્કર આપી શકશે.
ગૂગલે આ પ્રોજેક્ટ માટે 'ધ/નજ્જ' (The/Nudge) સંસ્થા સાથે ભાગીદારી કરી છે. આ પહેલ હેઠળ નાના ઉદ્યોગોને ઔપચારિક ધિરાણ (formal credit) મેળવવામાં સરળતા રહેશે, સરકારી નિયમનકારી પાલન (compliance) ના પ્રશ્નો ઉકેલાશે તેમજ બજાર શોધવાની ક્ષમતામાં મોટો વધારો થશે. બહુભાષી પ્લેટફોર્મ્સ અને સ્કેલેબલ AI સોલ્યુશન્સના માધ્યમથી દેશના દૂર-દૂરના વિસ્તારોમાં બેઠેલા નાના વેપારીઓ પણ આ ટેક્નોલોજીનો સીધો લાભ મેળવી શકશે.
આ જાહેરાતના પ્રસંગે કેન્દ્ર સરકારના MSME મંત્રાલયના સચિવ ભરત ખેરા, ગૂગલ ડીપમાઈન્ડના ચીફ એઆઈ રીડીનેસ ઓફિસર લીલા ઇબ્રાહિમ અને ગૂગલ ઇન્ડિયાના વીપી તથા કન્ટ્રી મેનેજર પ્રીતિ લોબાના સહિતના દિગ્ગજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતોના મતે, ગૂગલની આ પહેલ ભારતના ડિજિટલ ઈન્ડિયા મિશનને વધુ મજબૂત બનાવશે અને નાના ઉદ્યોગો માટે વિકાસના નવા દ્વાર ખોલશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
