તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે ભીમ આર્મીનું દેશવ્યાપી એલાનઃ ૨૫ જુલાઈએ દેશના તમામ જિલ્લા મથકો પર મોટાપાયે દેખાવો
સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું વિદ્યાર્થીઓના અધિકાર અને શિક્ષણ વ્યવસ્થાની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં લઈ જવાશે

નવી દિલ્હી તા.૨૨: પેપર લીકના સતત સામે આવતા બનાવો અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભીમ આર્મી તથા આઝાદ સમાજ પાર્ટીએ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા ઉપર જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૨૫ જુલાઈએ દેશભરના જિલ્લા મથકો ઉપર સંગઠનના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે.
આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભીમ આર્મીના વડા અને નગીના લોકસભા બેઠકના સાંસદ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને દબાવી શકાય નહીં અને આ લડાઈ હવે નિર્ણાયક દિશામાં આગળ વધશે. દેશભરના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને આંદોલનની તૈયારી કરવા જણાવાયું હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીમાં પેપર લીક, પરીક્ષા વ્યવસ્થાની ગેરરીતિઓ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરતાં અનેક પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયાના અહેવાલો આવ્યા હતા.
બીજી તરફ દિલ્હી પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓ ઉપર બેરિકેડ તોડવા, પોલીસ ઉપર હુમલો કરવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકી કેસ નોંધ્યા છે.
ચંદ્રશેખર આઝાદે પોલીસ કાર્યવાહીના વિરોધમાં સંસદ પરિસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નીચે આખી રાત ધરણા કર્યા હતા. વરસાદ વચ્ચે પણ તેઓ વિરોધસ્થળે રહ્યા અને જણાવ્યું કે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવી દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. બળપ્રયોગ દ્વારા અસહમતિ દબાવવી લોકતાંત્રિક મૂલ્યો ઉપર પ્રહાર સમાન હોવાનું તેમણે કહ્યું હતું.
વિદ્યાર્થી આંદોલનની મુખ્ય માંગોમાં પેપર લીક માટે જવાબદારો સામે કડક કાર્યવાહી, પરીક્ષા અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારો, સંસદમાં ચર્ચા તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનો સમાવેશ થાય છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
