તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ભીલવાડા ધર્માંતરણ કૌભાંડ: નોકરીની લાલચે હિન્દુ મહિલા સાથે બળાત્કાર ગુજારી દરગાહમાં બળજબરીથી કલમા પઢાવ્યા
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ દ્વારા દિલ્હી લઈ જઈ નિકાહ કરવા મજબૂર કરી : પીડિતાના ૨૦ લાખ રૂપિયા અને દાગીના લૂંટી નમાઝ તેમજ માંસાહારી ખોરાક ખાવા ત્રાસ આપનાર મુખ્ય આરોપી શાહિદ મન્સૂરીની ધરપકડ

ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડા શહેરમાં નોકરીની લાલચ આપીને ૩૫ વર્ષીય હિન્દુ મહિલાને આયોજનબદ્ધ રીતે પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો અને બળાત્કાર ગુજારવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી શાહિદ મન્સૂરીએ પીડિતાની બહેનની દુકાનમાંથી તેનો નંબર મેળવી, નોકરીના બહાને ભીલવાડાના એક રિસોર્ટમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ ગુપ્ત રીતે અશ્લીલ વીડિયો અને ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા, જેના આધારે પીડિતાના માતા-પિતાને જાનથી મારી નાખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગનો ભયાનક ખેલ શરૂ કર્યો હતો.
આરોપી શાહિદ પીડિતાને બળજબરીપૂર્વક દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહ પર લઈ ગયો હતો, જ્યાં તેને પરાણે ખજૂર ખવડાવી, કલમા અને કુરાનની આયતો વાંચવા માટે દબાણ કરી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવી નિકાહ કરી લીધા હતા. હેવાનીયતની હદ તો ત્યારે પાર થઈ જ્યારે લગ્ન બાદ શાહિદના ભાઈ ઝફરે પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, શાહિદે બ્લેકમેલ કરીને પીડિતાના ૨૦ લાખ રૂપિયા પોતાના પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને તેની માતાનું મંગળસૂત્ર, સોનાની ચેઈન તથા બંગડીઓ સહિતના કિંમતી દાગીના પણ લૂંટી લીધા હતા.
સંપૂર્ણપણે પાયમાલ થયેલી પીડિતાને શાહિદના પિતા, કાકી અને બહેનો દ્વારા ઘરમાં નમાઝ પઢવા, રોઝા રાખવા અને પરાણે માંસાહારી ખોરાક ખાવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દૈનિક ત્રાસ અને લાખો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલી પીડિતાએ આખરે હિંમત ભેગી કરી ભીલવાડાના પોલીસ અધિક્ષક સાગર રાણા સમક્ષ હાજર થઈ પોતાની આપવીતી વર્ણવી હતી. એસપીની કડક સૂચના બાદ પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી શાહિદ મન્સૂરીની ધરપકડ કરી લીધી છે, જ્યારે ગુનામાં સામેલ તેના ફરાર ભાઈ ઝફરની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
