<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

સંઘ પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન : રાજકીય અને સામાજિક જગતમાં ભારે શોકની લાગણી ફરી વળી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો જૂના કૌટુંબિક સંબંધોને યાદ કરી સોશિયલ મીડિયા 'એક્સ' પર ઘેરા શોકની સંવેદના વ્યક્ત કરી : સદગતનાં પાર્થિવ દેહને ખાસ ચાર્ટર પ્લેન દ્વારા બપોરે અમદાવાદ લાવવામાં આવશે

 અમદાવાદ:  કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પટેલના પરિવાર પર કાળ વજ્રઘાત થયો છે. પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પટેલ પરિવાર શોક સાગરમાં ડૂબી ગયો છે. આ દુઃખદ સમાચાર વહેતા થતાં જ ગુજરાત સહિત દેશભરના રાજકીય, સામાજિક અને વહીવટી વર્તુળોમાં ભારે આઘાતની સાથે શોકની લાગણી ફરી વળી છે. વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ અને સ્નેહીજનો દ્વારા શોકાતુર પટેલ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.

 

દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર અને સ્નેહીજનોના અંતિમ દર્શનાર્થે લાવવા માટે આજે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી સત્તાવાર માહિતી મુજબ, તેમનો પાર્થિવ દેહ આજે બપોરે અંદાજે અઢી વાગ્યે (૦૨:૩૦) એક ખાસ ચાર્ટર વિમાન મારફતે દીવ-દમણથી અમદાવાદ લાવવામાં આવશે. ત્યારબાદ અમદાવાદ ખાતે પટેલ પરિવારના સભ્યો, નજીકના સંબંધીઓ, રાજકીય નેતાઓ અને સ્નેહીજનો માટે સ્વર્ગસ્થના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.

 

પટેલ પરિવાર સાથે વર્ષો જૂનો આત્મીય નાતો ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દુઃખદ ઘડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની ઘેરી સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાને લખ્યું છે કે, "સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ અતિ મુશ્કેલ અને દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું."

 

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો દબદબો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથેનો સંબંધ ઘણો જૂનો અને મજબૂત રહ્યો છે. વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૨ દરમિયાન જ્યારે ગુજરાત સરકાર ભારે કટોકટી અને એન્કાઉન્ટર કેસના વિવાદોનો સામનો કરી રહી હતી, અને તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહને કોર્ટના આદેશોના કારણે ગુજરાતની બહાર રહેવું પડ્યું હતું, ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારે વિશ્વાસ સાથે પ્રફુલભાઈ પટેલને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપી હતી. પ્રફુલભાઈ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તેઓ ૨૦૦૭માં પ્રથમ વખત જ હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસના ધુરંધર સી. કે. પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેમને ગૃહ મંત્રી જેવું મહત્વનું પદ મળ્યું હતું. તેમણે એ કપરા સમયમાં સરકાર માટે કુશળ ડેમેજ કંટ્રોલર તરીકે ભૂમિકા ભજવી હતી.

 

જો કે, વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પરાજિત થયા બાદ સક્રિય રાજકારણમાં ખાસ દેખાયા નહોતા, પરંતુ તેમની વહીવટી ક્ષમતા અને કામ કરવાની પદ્ધતિથી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સતત પ્રભાવિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતના રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, પ્રફુલભાઈ પટેલના પિતા ખોડાભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં ખૂબ જ સક્રિય હતા અને નરેન્દ્રભાઈ મોદીનો તેમના ઘર સાથે વર્ષો જૂનો કૌટુંબિક ઘરોબો રહ્યો છે. આ જ નિકટતા અને વફાદારીના કારણે બાદમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને દીવ-દમણ અને દાદરા-નગર હવેલી જેવા મહત્વના સંઘ પ્રદેશોના પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ કાર્યરત છે. કટોકટીના સાથી એવા પ્રફુલભાઈના પત્નીના અવસાનથી દિલ્હીથી લઈને ગુજરાત સુધીના નેતાઓએ ઘેરા શોકની સંવેદના પ્રગટ કરી છે.

(3:32 PM IST)