News of Thursday, 8th October 2026
સૌના મંગળ કલ્યાણ માટે પૂ. મોરારિબાપુ દ્વારા 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો દિવ્ય ઉપક્રમ
આદિ શંકરાચાર્યજીની ભાવવંદના સાથે શનિવારથી કન્યાકુમારીથી કેદારનાથ સુધી પ્રથમ ચરણનો પ્રારંભ : 'એક ભારત, રામમય ભારત'નો સંદેશા સાથે વિશ્વભરના શ્રદ્ધાળુઓ જોડાશે

ઈશ્વરિયા: સનાતન મૂલ્યોના સંવર્ધન અને આદિ શંકરાચાર્યજીની ભાવવંદના સાથે સૌના મંગળ અને કલ્યાણ હેતુ પૂ. મોરારિબાપુ દ્વારા 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા નામના એક દિવ્ય ઉપક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. સનાતન ધર્મના મૂળ શાસ્ત્રો સાંપ્રત સમાજ જીવનમાં પૂરક બને અને આદર્શ સમાજ વ્યવસ્થાનું નિર્માણ થાય તેવા હેતુથી પૂ. મોરારિબાપુ રામકથાના માધ્યમથી સદા પ્રેરણા આપતા રહ્યા છે. પૂ. મોરારિબાપુના સંદેશા મુજબ 'દિવ્ય ભારત', 'સેવ્ય ભારત', 'ભવ્ય ભારત' અને 'નવ્ય ભારત' – આ ચાર મુદ્દાઓ સાથે સ્વસ્તિક નિર્માણ અને 'એક ભારત, રામમય ભારત'ના સંકલ્પ સાથે આ યાત્રાનું આયોજન કરાયું છે.
આ અખંડ ભારત યાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ શનિવાર, તા. ૧૦ ના રોજ કન્યાકુમારી તીર્થ સ્થાનથી પૂ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાથી થશે. આ યાત્રા રેલમાર્ગે કન્યાકુમારીથી ક્રમશઃ કાલડી, શ્રૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, વાઘા સરહદ અને જમ્મુ થઈને શુક્રવાર, તા. ૨૩ ના રોજ કેદારનાથ તીર્થ ખાતે પ્રથમ ચરણ પૂર્ણ કરશે. દરેક સ્થાન પર બે ગાડીઓ દ્વારા વિશિષ્ટ યાત્રા સાથે રામકથાનો લાભ શ્રદ્ધાળુઓને મળશે.
ઉલ્લેખનીય છે કે, આ દિવ્ય યાત્રાના બીજા તબક્કામાં દ્વારકાથી જગન્નાથપુરી સુધી રામકથા યોજાશે. બંને તબક્કા મળીને સમગ્ર યાત્રા દરમિયાન કુલ ૨૧ જેટલાં ધાર્મિક અને પૌરાણિક સ્થળો-શહેરોમાં રામકથાનું ગાન થશે. આ દિવ્ય ઉપક્રમમાં ભાગ લેવા માટે સમગ્ર વિશ્વભરમાંથી કથાપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
