તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
ભારતરત્ન લાલકૃષ્ણ અડવાણીજીને ૯૯ વર્ષ પૂર્ણ : જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ : સોમનાથથી અયોધ્યા સુધીની ઐતિહાસિક રાજકીય યાત્રાના શિલ્પી: રાજકોટના પ્રવાસ સમયે અકિલા પરિવારની આત્મીય મુલાકાત લીધેલી
મોદીજીએ વિશેષ લેખ દ્વારા અડવાણીજીના રાજકીય જીવન, સંગઠનશક્તિ અને રાષ્ટ્રસેવાને યાદ કરી શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી, તા. ૮ નવેમ્બર : ભારતરત્ન, ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન, ભાજપના સ્થાપક નેતાઓ પૈકીના એક અને રામજન્મભૂમિ આંદોલનના અગ્રણી શ્રી લાલકૃષ્ણ અડવાણીજી આજે ૯૯ વર્ષ પૂર્ણ કરી જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ પ્રસંગે દેશભરમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
૮ નવેમ્બર, ૧૯૨૭ના રોજ કરાચીમાં જન્મેલા અડવાણીજી ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. દેશના ભાગલા બાદ ભારત આવ્યા. જનસંઘથી શરૂ થયેલી તેમની રાજકીય યાત્રામાં અટલ બિહારી વાજપેયી સાથેની તેમની જોડી ભારતીય રાજકારણમાં વિશેષ જાણીતી બની. કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનારા અડવાણીજી ૧૯૮૬માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.
૧૯૯૦માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રાએ તેમને દેશના રાજકારણના કેન્દ્રસ્થાને લાવી દીધા. રામમંદિર આંદોલનમાં તેમની ભૂમિકા ઐતિહાસિક રહી. ગાંધીનગરથી અનેક વખત લોકસભામાં ચૂંટાયેલા અડવાણીજી કેન્દ્રમાં ગૃહમંત્રી અને ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન નાયબ વડાપ્રધાન રહ્યા. ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા.
આજે જન્મદિવસે વિશેષ ઉજવણી : હાલ સક્રિય જાહેર રાજકારણથી દૂર રહેલા અડવાણીજીના સન્માનમાં દિલ્હીના ભાજપ મુખ્યાલયે સવારે ૧૦ વાગ્યે પૂજા-હવન અને વિશેષ કાર્યક્રમ યોજાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અડવાણીજીનાં પુત્રી પ્રતિભા અડવાણી સહિતના મહાનુભાવો તેમાં ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન મોદીએ મુલાકાત લીધી : ૭ ઓક્ટોબરે ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અડવાણીજીના દિલ્હી નિવાસસ્થાને તેમની સાથે જોવા મળ્યા હતા. એ સમયની તસવીર અહીં પ્રસ્તુત છે. મોદીજીએ વિશેષ લેખ દ્વારા અડવાણીજીના રાજકીય જીવન, સંગઠનશક્તિ અને રાષ્ટ્રસેવાને યાદ કરી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
રાજકારણમાં અનેક ઉતાર-ચઢાવ અને ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહેલા આ અડીખમ નેતાને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
દાયકાઓ પૂર્વે અડવાણીજી રાજકોટની મુલાકાત સમયે સંઘના ટોચના અગ્રણી અને અકિલા પરિવારના વડીલ પરિવારજન માનનીય સ્વ. પીવી દોશી સાહેબની સાથે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા, તેમણે એ સમયે ગાંઠિયા અને જલેબી પણ મોજથી આરોગ્ય હતા. અહીં આપેલ તસવીરમાં સરકીટ હાઉસ ખાતે અકિલા વાંચી રહેલા નજરે પડે છે તેમની સાથે રાજુભાઈ ધ્રુવ અને પૂર્વ કેબિનેટ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા નજરે પડે છે.
અડવાણીજીને આજે ૮ નવેમ્બરે તેમના નિવાસસ્થાને નીતિન નબીન, પીયૂષ ગોયલ સહિતના દિગ્ગજો અભિનંદન આપવા શુભેચ્છા પાઠવવા મળી રહ્યા છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
