News of Friday, 24th April 2026
રાજકીય મેદાનમાં ‘ભજ્જી’ની બીજી ઈનિંગ: AAPના સાંસદ અને દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ ભાજપમાં જોડાયા, પંજાબના રાજકારણમાં ભૂકંપ
રાઘવ ચઢ્ઢા બાદ હરભજન સિંહના પણ ‘આપ’ને રામ-રામ; રાજ્યસભાના ૭ સાંસદો સાથે કેસરીયો ધારણ કરતા કેજરીવાલને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો

ચંડીગઢ: ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી દુનિયાભરના બેટ્સમેનોને નચાવનાર ‘ટર્બનેટર’ હરભજન સિંહે આજે રાજકારણના મેદાન પર મોટો ઉલટફેર કરી દીધો છે. શુક્રવારે એક અત્યંત ચોંકાવનારા ઘટનાક્રમમાં, હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) સાથેનો છેડો ફાડીને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નો હાથ પકડ્યો છે. પંજાબમાંથી રાજ્યસભા સાંસદ બનેલા હરભજન સિંહના આ નિર્ણયથી આમ આદમી પાર્ટીના શિબિરમાં સન્નાટો વ્યાપી ગયો છે.
રાઘવ ચઢ્ઢાના ‘બળવા’માં જોડાયા ભજ્જી
નોંધનીય છે કે, આજે સવારથી જ ‘આપ’માં ભંગાણના સમાચાર વહેતા થયા હતા. રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં રાજ્યસભાના ૭ સાંસદોએ એકસાથે પક્ષ છોડવાનો જે નિર્ણય લીધો, તેમાં હરભજન સિંહ પણ સામેલ છે. વર્ષ ૨૦૨૨માં જ્યારે પંજાબમાં ‘આપ’ની સરકાર બની ત્યારે અરવિંદ કેજરીવાલે હરભજન સિંહને રાજ્યસભામાં મોકલીને મોટો દાવ ખેલ્યો હતો. જોકે, લગભગ ચાર વર્ષના કાર્યકાળ બાદ હરભજન સિંહે હવે ભાજપની વિચારધારા સાથે આગળ વધવાનું પસંદ કર્યું છે.
ગૌતમ ગંભીર બાદ વધુ એક વર્લ્ડ કપ વિજેતા ભાજપમાં
હરભજન સિંહના ભાજપ પ્રવેશથી પાર્ટીને પંજાબ સહિત દેશભરમાં એક મોટો ચહેરો મળ્યો છે. અગાઉ તેમના સાથી ખેલાડી ગૌતમ ગંભીર પણ ભાજપમાં રહીને દિલ્હીથી સાંસદ રહી ચૂક્યા છે. હરભજન સિંહ ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા છે, જેના કારણે યુવાનોમાં તેમનો ક્રેઝ ઘણો વધારે છે. ભાજપમાં જોડાવાથી હવે તેઓ પંજાબના રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
સંસદમાં ઓછી પ્રોફાઇલ, પણ રાજકારણમાં મોટો વળાંક
જોકે હરભજન સિંહ અત્યાર સુધી સંસદની કાર્યવાહીમાં બહુ ઓછા સક્રિય દેખાતા હતા, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેમનું જે કદ છે તે જોતા ભાજપ તેમને આવનારી ચૂંટણીઓમાં મોટી જવાબદારી સોંપી શકે છે. ‘આપ’ માટે આ એક બેવડો ફટકો છે કારણ કે તેણે માત્ર એક લોકપ્રિય ચહેરો જ નથી ગુમાવ્યો, પરંતુ રાજ્યસભામાં સંખ્યાબળ પણ ગુમાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે હરભજન સિંહની આ ‘દૂસરી’ ભાજપ માટે કેટલી વિકેટો ઝડપે છે!
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
