<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

PA ચંદ્રનાથની ઘાતકી હત્યા પાછળ 'ભાઈપો ગેંગ'નો હાથ! ૨ કરોડ રૂપિયાની સોપારી અપાઈ હોવાનો સુવેન્દુ અધિકારીનો સનસનાટીભર્યો દાવો

મે મહિનામાં થયેલા અંધાધૂંધ ગોળીબાર કેસમાં CBI એ ૧૨ સામે ચાર્જશીટ દાખલ કરી; કથિત માસ્ટરમાઇન્ડ રથનો જ ૨૯ વર્ષીય મદદનીશ નીકળતા ચકચાર

કોલકાતા, તા.૧૫: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથની હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સુવેન્દુ અધિકારીએ મંગળવારે સનસનાટીભર્યો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના સહયોગીની હત્યા કરવા માટે રૂ. ૨ કરોડની જંગી સોપારી આપવામાં આવી હતી અને આ કાવતરામાં રહસ્યમય "ભાઈપો ગેંગ" સીધી રીતે સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થશે.

 

આ ચકચારી ઘટના મે ૨૦૨૬માં બની હતી, જ્યારે કાર અને બાઇક પર આવેલા ઓછામાં ઓછા આઠ જેટલા હથિયારબંધ હુમલાખોરોએ ચંદ્રનાથ રથ પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની ઘાતકી હત્યા કરી દીધી હતી. સુવેન્દુ અધિકારીએ પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું કે, "શૂટર્સ, હત્યા માટે બેગમાં સોપારીના પૈસા પહોંચાડનારા અને આ આખું કાવતરું ઘડનારા તમામ સામે CBI એ ગુનો નોંધી દીધો છે. એજન્સીએ તપાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને અમે આ મામલે દોષિતોને સજા ન મળે ત્યાં સુધી જંપવાના નથી."

 

બીજી તરફ, આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં CBI એ બારાસત કોર્ટમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં કૂલ ૧૨ આરોપીઓના નામ સામેલ છે. આશ્ચર્યજનક રીતે, હત્યાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ચંદ્રનાથ રથનો જ ૨૯ વર્ષીય સહાયક સાગર સોનકર હોવાનું બહાર આવ્યું છે. CBI ની ટીમ અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને કોલકાતાના સાગરીતોનો સમાવેશ થાય છે. જ્યારે બિહારનો રહેવાસી કૃષ્ણ કુમાર સિંહ હજુ પણ ફરાર છે. એજન્સીએ આ કેસમાં ૫૮૫ લોકોને સાક્ષી તરીકે સૂચિબદ્ધ કર્યા છે, જેનાથી આગામી દિવસોમાં મોટા રાજકીય ધડાકા થવાની શક્યતા છે.

 

(5:49 PM IST)