તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સાવધાન! ઉનાળાની ગરમીમાં તમારી કાર બની શકે છે અગનગોળો : આ ૩ ચીજો રાખવાની ભૂલ ભારે પડશે
બહાર ૪૦ ડિગ્રી તાપમાન હોય ત્યારે બંધ કારની અંદર પારો ૭૦ ડિગ્રીને પાર કરી જાય છે : પાવર બેંક, પરફ્યુમ અને પાણીની બોટલ જેવી સામાન્ય વસ્તુઓ પણ વિસ્ફોટ અને ભયાનક આગનું કારણ બની શકે

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્યદેવ હવે આકરા પાણીએ થયા છે, ત્યારે તમારી કાર માત્ર મુસાફરીનું સાધન નહીં પણ જોખમનું કારણ પણ બની શકે છે. ઉત્તર ભારત અને ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જ્યારે બહારનું તાપમાન ૪૦ ડિગ્રી હોય, ત્યારે સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરેલી બંધ કારની અંદર ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે તાપમાન ૬૦ થી ૭૦ ડિગ્રી સુધી વધી જાય છે. આટલી પ્રચંડ ગરમીમાં કારમાં રહેલી નાની નાની વસ્તુઓ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને લિથિયમ-આયન બેટરી ધરાવતી પાવર બેંક, મોબાઈલ કે લેપટોપ ઉચ્ચ તાપમાને ફૂટી શકે છે, જેનાથી કારમાં પળવારમાં આગ લાગી શકે છે.
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ઉપરાંત, પરફ્યુમ અને ડિઓડોરન્ટ સ્પ્રે પણ કાર માટે મોટા જોખમ સમાન છે. આ સ્પ્રે કેન્સમાં જ્વલનશીલ વાયુઓ અને કેમિકલ્સ ભરેલા હોય છે. ગરમી વધતા કેનની અંદરનું દબાણ એટલી હદે વધી જાય છે કે તે બોમ્બની જેમ ફાટી શકે છે. તેવી જ રીતે, ઘણા લોકો કારમાં પ્લાસ્ટિકની પારદર્શક પાણીની બોટલો રાખતા હોય છે. સૂર્યના કિરણો જ્યારે આ બોટલમાંથી પસાર થાય છે ત્યારે તે બૃહદદર્શક કાચ (Magnifying Glass) જેવું કામ કરે છે, જે કારની સીટ અથવા ડેશબોર્ડ પર સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી આગ લગાડી શકે છે. તેમજ સિગારેટ લાઇટર તો ઉનાળામાં કારની અંદર રાખવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે.
આ સંભવિત અકસ્માતોથી બચવા માટે કેટલીક પાયાની સાવચેતી રાખવી અનિવાર્ય છે. હંમેશા પ્રયાસ કરો કે કાર છાંયડામાં પાર્ક થાય અથવા વિન્ડશિલ્ડ પર સનશેડનો ઉપયોગ કરો. જો કાર લાંબા સમય સુધી તડકામાં ઉભી રહી હોય, તો દરવાજા ખોલી અંદરની ગરમ હવા બહાર નીકળવા દો અને ત્યારબાદ જ એસી ચાલુ કરો. કારમાં એક નાનું અગ્નિશામક યંત્ર રાખવું પણ સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ છે. યાદ રાખો, તમારી એક નાની બેદરકારી કિંમતી કાર અને કિંમતી જીવ બંનેને જોખમમાં મૂકી શકે છે, તેથી આજે જ તમારી કારની તપાસ કરો અને આ જોખમી વસ્તુઓને બહાર કાઢો.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
