તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સાવધાન! મેગી-થમ્સ અપ જેવી બ્રાન્ડેડ આઈટમોના નામે પીરસાઈ રહ્યું હતું 'ધીમું ઝેર': દિલ્હીમાં એક્સપાયરી ડેટ બદલવાના મસમોટા રેકેટનો પર્દાફાશ
ઓખલામાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ખુલ્લા બજાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગેંગના ૭ સાગરીતો જેલભેગા, ₹૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

નવી દિલ્હી, તા.૦૩: રાજધાની દિલ્હીમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસે એક એવી શાતિર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય અને લોકપ્રિય બ્રાન્ડ્સની એક્સપાયર થઈ ગયેલી (મુદત વીતી ગયેલી) ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદતી હતી. ત્યારબાદ આ ગેંગ કેમિકલ અને આધુનિક સાધનોની મદદથી તેની અસલી 'એક્સપાયરી ડેટ' ભૂંસીને નવી તારીખો છાપી દેતી હતી. આ નકલી અને ઝેરી સાબિત થઈ શકે તેવો સામાન અસલી પ્રોડક્ટ તરીકે બજારમાં ધકેલી દેવામાં આવતો હતો.
પોલીસે આ મામલે સપાટો બોલાવીને કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ ફેક્ટરી પર પાડેલા દરોડા દરમિયાન આશરે ૨૦ લાખ રૂપિયાથી વધુની કિંમતનો એક્સપાયર થયેલો માલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ સામાન્ય કરિયાણાની દુકાનો ઉપરાંત જાણીતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ (ઓનલાઈન શોપિંગ સાઇટ્સ) દ્વારા પણ આ જોખમી સામાન લોકોના ઘર સુધી પહોંચાડતી હતી, જે જાહેર સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની ગયો હતો.
બાળ મજૂરીની આશંકાએ દરોડો પાડ્યો ને નીકળ્યું મોતનું કારખાનું!
આ સમગ્ર ઓપરેશન પાછળ એક રસપ્રદ વળાંક રહેલો છે. ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-૨ માં આવેલી 'વેસ્ટએન્ડ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં બાળ મજૂરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ અહેવાલના આધારે બદરપુરના એસડીએમ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના અધિકારીઓ અને 'મિશન મુક્તિ' નામની એનજીઓની સંયુક્ત ટીમે ઓખલા પોલીસ સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાં જઈને જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાં બાળકો પાસે મજૂરી કરાવવાની સાથે-સાથે મોટા પાયે એક્સપાયરી ડેટ બદલવાનું કાળું બજાર ચાલી રહ્યું હતું.
આ સરાહનીય કામગીરી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડૉ. હેમંત તિવારીના માર્ગદર્શન અને એસીપી અનિલ શર્માની દેખરેખ હેઠળ ઇન્સ્પેક્ટર અનિલ મલિક અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હાલ પોલીસ પકડાયેલા સાતેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે કે આ નેટવર્ક ક્યાં-ક્યાં ફેલાયેલું હતું અને અત્યાર સુધી કેટલો ઝેરી સામાન ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વેચાઈ ચૂક્યો છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
