News of Thursday, 30th July 2026
બેંગલુરુમાં જળ સંકટ ઘેરાયું: ગાડીઓ ધોવા કે સ્વિમિંગ પુલમાં પીવાનું પાણી વાપર્યું તો થશે ₹5,000 નો દંડ, નળમાં એરેટર્સ લગાવવું ફરજિયાત!
નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓનું પાણીનું કનેક્શન 50% કાપી નાખવામાં આવશે: રોજનો ₹500 નો વધારાનો દંડ અને કાનૂની કાર્યવાહીની BWSSB ની ચેતવણી

બેંગલુરુ : ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે આઈટી હબ બેંગલુરુ ભારે જળ સંકટનો સામનો કરી રહ્યું છે. પીવાના પાણીની આ તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવેજ બોર્ડ (BWSSB) એ પાણીના દુરુપયોગને રોકવા માટે આકરાં પગલાં જાહેર કર્યા છે. જો કોઈ નાગરિક કે સંસ્થા વાહનો ધોવા, બાગકામ, રસ્તાઓની સફાઈ, બાંધકામ કે સ્વિમિંગ પુલ ભરવા માટે પીવાના પાણીનો ઉપયોગ કરતી પકડાશે, તો તેને તાત્કાલિક ₹5,000 નો ભારે દંડ ફટકારવામાં આવશે.
પાણી બોર્ડે ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ નિયમનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓ પર દરરોજ ₹500 નો વધારાનો ચાર્જ લગાવવામાં આવશે, તેમના વિસ્તારનો પાણી પુરવઠો 50% સુધી ઘટાડી દેવામાં આવશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોર્ડે સ્પષ્ટ સૂચના આપી છે કે બિન-આવશ્યક પ્રવૃત્તિઓ અને સ્વિમિંગ પુલ માટે કેવળ શુદ્ધ કરેલા (STP/Treated) પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે, જેથી ઘરો માટે પીવાનું પાણી પૂરતું મળી રહે.
આ ઉપરાંત, BWSSB એ પાણીની બચત માટે દરેક વ્યક્તિગત મકાનો, એપાર્ટમેન્ટ્સ, કમર્શિયલ ઈમારતો, હોટલો અને સરકારી કચેરીઓના નળમાં 'વોટર એરેટર' (Water Aerators) અને પ્રવાહ નિયંત્રકો ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. બોર્ડના જણાવ્યા મુજબ, નળમાં એરેટર્સ લગાવવાથી પાણીના વપરાશ અને પ્રવાહ પર અસર પડ્યા વગર લગભગ 30% થી 50% સુધી પાણીની બચત કરી શકાશે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
