તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
બેંગલુરુની યુવતીનો નવો કીમિયો: સંબંધીઓના 'અણિયાળા' સવાલોથી બચવા શોધવી પડી 'નકલી મહિલા ફ્લેટમેટ', Reddit પર પોસ્ટ વાયરલ થતાં આવ્યા ૧૫૦થી વધુ મેસેજ!
ફ્રી રહેવાનું, સ્વાદિષ્ટ ભોજન અને પ્રાઇવેટ રૂમની ઓફર; સંબંધીઓ સામે માત્ર 'ડ્રામા' કરવા માટે યુવતીનો આઈડિયા, સોશિયલ મીડિયા પર યુઝર્સે લીધી મજા

બેંગલુરુ : અત્યાર સુધી તમે ફિલ્મો કે નાટકોમાં જ નકલી ઓળખ કે ડ્રામાના કિસ્સાઓ જોયા હશે, પરંતુ બેંગલુરુમાં એક યુવતીએ સંબંધીઓની પંચાતથી બચવા માટે જે કર્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. બેંગલુરુમાં એકલી રહેતી ૨૨ વર્ષીય યુવતીએ પોતાના ઘરે આવતા સંબંધીઓના "તું આટલા મોટા ઘરમાં એકલી કેમ રહે છે?" જેવા સવાલોથી બચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક અનોખી પોસ્ટ મૂકીને 'નકલી મહિલા ફ્લેટમેટ'ની માંગણી કરી હતી.
યુવતીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, તેને થોડા દિવસો માટે સંબંધીઓ સામે માત્ર દેખાવ કરવા પૂરતી એક કામચલાઉ ફ્લેટમેટ જોઈએ છે, જેથી 'આન્ટીઓ' સંતોષપૂર્વક માથું હલાવીને ચિંતાના બીજા વિષય પર આગળ વધી જાય. આ નાટક કરવાના બદલામાં યુવતીએ આવનાર મહિલાને તેના ફુલ્લી ફર્નિશ્ડ ઘરમાં એક પ્રાઇવેટ રૂમ, મફત રહેઠાણ અને નાસ્તો-ભોજન આપવાની ઓફર કરી હતી. શરત માત્ર એટલી જ હતી કે સંબંધીઓ આવે ત્યારે તેમની સામે સ્મિત સાથે વર્તવું અને ઘરકામ વહેંચીને રહેતા હોવાનો ડોળ કરવો.
આ અનોખી અને વિચિત્ર વિનંતી વાયરલ થતાં જ યુવતીના ઇનબોક્સમાં ૧૫૦થી વધુ ડાયરેક્ટ મેસેજ (DM) નો ભરાવો થઈ ગયો હતો. રમુજી વાત એ છે કે આ ઓફર માટે મહિલાઓ ઉપરાંત કેટલાક પુરુષોએ પણ 'મહિલા બનવાનો ડોળ' કરવાની તૈયારી દર્શાવી હતી. હાલમાં યુવતીએ આમાંથી કેટલીક મહિલાઓની પસંદગી કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ કીમિયાના ભારે વખાણ કરી રહ્યા છે અને સંબંધીઓથી બચવાના આ અનોખા રસ્તા પર ત જાતજાતની મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
