<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ભારતીય રેલવેમાં હરિયાળા યુગની શરુઆત: ગુજરાતથી દેશની પ્રથમ એલએનજી (LNG) ટ્રેનનો પ્રારંભ, જાણો હાઇડ્રોજન ટ્રેનથી તે કેવી રીતે છે અલગ!

ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા સાબરમતીથી લીલી ઝંડી: ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજીથી સજ્જ આ ટ્રેન ડીઝલના વપરાશમાં ૪૦% સુધી ઘટાડો કરશે, પર્યાવરણ સંરક્ષણ તરફ એક મોટું પગલું

અમદાવાદ : ભારતીય રેલવેએ દેશના પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કરતા ગ્રીન રેલવે તરફ વધુ એક મજબૂત કદમ માંડ્યું છે. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થયાના માત્ર ૧૦ મહિના બાદ જ હવે ભારતીય રેલવેએ તેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ટ્રેનને પણ પટરી પર દોડતી કરી દીધી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાતના સાબરમતી રેલવે સ્ટેશનથી આ પ્રથમ એલએનજી ટ્રેનને ભવ્ય રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે.

 

ડ્યુઅલ-ફ્યુઅલ ટેક્નોલોજી અને એલએનજી ટ્રેનની ખાસિયતો

 

આ નવી એલએનજી સંચાલિત ટ્રેન તેના ડ્રાઇવિંગ પાવર કાર્સ (DPCs) માટે ખાસ વિકસાવવામાં આવેલી ડ્યુઅલ-ફ્યુઅલ (ડીઝલ અને એલએનજી) સિસ્ટમ પર કામ કરે છે. સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો ખાતે ૧,૪૦૦ એચપી (HP) ની ક્ષમતા ધરાવતા બે પાવર કાર્સને આધુનિક ટેક્નોલોજીથી સંશોધિત કરવામાં આવ્યા છે. આ પ્રણાલી એન્જિનને જરૂરિયાત મુજબ ડીઝલ અને એલએનજી બંનેનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. પરીક્ષણ દરમિયાન આ ટેક્નોલોજી દ્વારા ડીઝલના વપરાશમાં સીધો ૪૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી બળતણનો ખર્ચ ઘટવાની સાથે હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન પણ ઘણું ઓછું થાય છે. આ ૮-કોચવાળી નોન-એસી ચેર કાર ડીઇએમયુ (DEMU) ટ્રેન હાલમાં સાબરમતી અને મહેસાણા જંકશન વચ્ચે ચલાવવામાં આવી રહી છે.

 

એલએનજી અને હાઇડ્રોજન ટ્રેન વચ્ચેનો મુખ્ય તફાવત

 

ઘણા લોકોના મનમાં આ બંને ગ્રીન ટ્રેનો વચ્ચેનો તફાવત જાણવાની જિજ્ઞાસા રહે છે. હાઇડ્રોજન ટ્રેનો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી ફ્યુઅલ સેલ દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે અને તેનું ઉત્સર્જન માત્ર શુદ્ધ પાણીની વરાળ હોય છે, જેથી તે સંપૂર્ણપણે શૂન્ય કાર્બન ઉત્સર્જનવાળી અને વધુ પર્યાવરણ ફ્રેન્ડલી ગણાય છે. બીજી બાજુ, એલએનજી ટ્રેનો પરંપરાગત આંતરિક-દહન એન્જિનનો જ ઉપયોગ કરે છે જેને ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમમાં ફેરવવામાં આવ્યા છે, જે ડીઝલના વપરાશને આંશિક રીતે બદલીને ઓછો કરે છે. રેલવેના આ અદન્ય પ્રયાસોથી આગામી સમયમાં ભારતીય ટ્રેનો સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે.

 

(6:57 PM IST)