<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ખેતીની વારસાઈ જમીન વેચતા પહેલાં જાણી લો સુપ્રીમ કોર્ટનો આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો: હવે પરિવારના પ્રથમ હક્કદાર સભ્યોને આપવી પડશે ખરીદીની પ્રાથમિક તક

હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ ૨૨ હેઠળ ખેતીની જમીન પણ આવરી લેવાઈ; વસિયતનામું ન બન્યું હોય તેવા કિસ્સામાં ક્લાસ-૧ વારસદારોની મંજૂરી વિના બારોબાર વેચાણ કરનાર મુકાશે કાનૂની મુશ્કેલીમાં

નવી દિલ્હી : વારસામાં મળેલી ખેતીની જમીનની ખરીદ-વેચાણ અંગે દેશની સર્વોચ્ચ અદાલતે એક ખૂબ જ મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે, જેની સીધી અસર દેશના કરોડો ખેડૂત પરિવારો અને મિલકત ધારકો પર પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદાની કલમ ૨૨ ની જોગવાઈઓ હવે માત્ર અન્ય સ્થાવર મિલકતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેતીની જમીનને પણ સમાન રીતે લાગુ પડે છે. આ ચુકાદા મુજબ, જો કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) તૈયાર કર્યા વગર જ મૃત્યુ પામે અને તેના વારસદારોને ખેતીની જમીન વારસામાં મળે, તો તેમાંથી કોઈ હિસ્સેદાર પોતાનો ભાગ વેચવા માગતો હોય તો તેણે સૌથી પહેલા પરિવારના ક્લાસ-૧ વારસદારોને જમીન ખરીદવાની પ્રથમ તક આપવી પડશે.

 

આ કાયદાકીય જોગવાઈને ઉદાહરણ દ્વારા સમજીએ તો, જો કોઈ પિતાના અવસાન બાદ તેમની જમીન પત્ની અને સંતાનો વચ્ચે સરખા હિસ્સામાં વહેંચાઈ ગઈ હોય, અને તેમાંથી કોઈ એક પુત્ર પોતાનો હિસ્સો વેચવા માંગતો હોય, તો તેણે બારોબાર અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દેવાને બદલે સૌપ્રથમ પોતાની માતા અને ભાઈ-બહેનો જેવા ક્લાસ-૧ વારસદારોને પૂછવું પડશે. તે પરિવારમાંથી જે વ્યક્તિ યોગ્ય કિંમત ચૂકવવા તૈયાર હોય તેને જ પ્રાથમિકતાના ધોરણે જમીન વેચવી અનિવાર્ય છે. જો કોઈ વારસદારને જાણ કર્યા વગર બારોબાર જમીન વેચી દેવામાં આવે, તો પ્રભાવિત સભ્ય પાસે સેલ ડીડ થયાના એક વર્ષની અંદર અદાલતમાં કાનૂની પડકાર ફેંકવાનો અધિકાર રહે છે.

 

આ મહત્વપૂર્ણ નિયમ માત્ર હિન્દુ પરિવારોને જ લાગુ પડે છે અને તે પણ ત્યારે જ જ્યારે મરનારે મૃત્યુ પહેલાં કોઈ કાયદેસરનું વસિયતનામું ન બનાવ્યું હોય અને મિલકતના વિધિવત ભાગલા ન થયા હોય. જો વસિયતનામું તૈયાર થયું હોય તો આ કલમ લાગુ પડતી નથી. આ ચુકાદો કૌટુંબિક મિલકતના વિવાદો ઘટાડવામાં અને વારસદારોના હકોનું રક્ષણ કરવામાં અત્યંત સીમાચિહ્નરૂપ સાબિત થશે.

 

(9:59 PM IST)