તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
લોકશાહીના મહાપર્વ પૂર્વે આનંદીબેન પટેલ દ્વારકાધીશના શરણે: કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવી લીધા આશીર્વાદ, આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન
પુત્રી અનાર પટેલ સાથે 'જગતમંદિર' અને શંકરાચાર્ય મઠની મુલાકાત લેતા પૂર્વ મુખ્યમંત્રી; મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા મેળવી આદ્યાત્મિક ઉર્જા

દ્વારકા : ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે ખાસ દ્વારકાના ધામમાં પહોંચ્યા હતા. મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની આ મુલાકાતે આસ્થા અને કર્તવ્યનો એક અનોખો સંગમ રચ્યો હતો.
આનંદીબેન પટેલની સાથે તેમના પુત્રી અનાર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના તીર્થ પુરોહિતો દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનનો પ્રસાદ તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા. આનંદીબેન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને હંમેશા નવી ઉર્જા અને માનસિક શાંતિ મળે છે.
શંકરાચાર્ય ગાદીના દર્શન અને આદ્યાત્મિક ચર્ચા:
જગતમંદિરમાં દર્શન કર્યા બાદ આનંદીબેન પટેલે દ્વારકા સ્થિત જગતગુરુ શંકરાચાર્યજીની પવિત્ર ગાદીના પણ દર્શન કર્યા હતા. અહીં તેમણે બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે ધર્મચર્ચામાં સમય વિતાવ્યો હતો. લોકશાહીના મહાકુંભમાં જોડાતા પહેલા સંતોના આશીર્વાદ લેવા પાછળ એક ખાસ આદ્યાત્મિક કારણ છુપાયેલું હોવાનું માનવામાં આવે છે.
આવતીકાલે અમદાવાદમાં મતદાન:
આનંદીબેન પટેલ હાલ ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં, તેમનું મતદાન મથક ગુજરાતના અમદાવાદમાં નોંધાયેલું છે. દ્વારકાની આદ્યાત્મિક યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા અમદાવાદ જવા રવાના થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે તેઓ અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ નિભાવશે. તેમની આ મુલાકાત દર્શાવે છે કે સત્તા અને પદ ગમે તે હોય, પણ માતૃભૂમિ પ્રત્યેની ફરજ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા સર્વોપરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
