<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

રોમેન્ટિક સિટી પેરિસની સુંદરતા જ નાગરિકો માટે બની આફત: ફ્રાન્સમાં ઐતિહાસિક હીટવેવ વચ્ચે કલાકારોની મનપસંદ ‘ઝીંકની છત’ હવે લોકોને જીવતેજીવ શેકી રહી છે

પેરિસના આકર્ષક એટિક એપાર્ટમેન્ટ્સ ગરમીના ઓવનમાં ફેરવાયા; ૨૦૦૩ના કાળઝાળ ઉનાળામાં છત નીચે રહેતા લોકોના મૃત્યુનું જોખમ ૪ ગણું વધ્યું હતું, એર કંડિશનર લગાવવા પર પણ છે કડક કાયદાકીય પ્રતિબંધ

પેરિસ : દુનિયાભરના પ્રવાસીઓ માટે જે શહેર ‘પ્રેમ અને રોમાંસનું પ્રતીક’ છે, તે પેરિસ હાલમાં ત્યાંના સ્થાનિક રહીશો માટે એક સળગતી ભઠ્ઠી બની ગયું છે. ફ્રાન્સ સહિત સમગ્ર યુરોપમાં આવેલા ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક ગરમીના મોજા (હીટવેવ) ના કારણે પેરિસની ઓળખ સમાન આકર્ષક એટિક (પતરાની છત નીચેના નાના રૂમ) હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. જે સોનેરી દ્રશ્યો અને સુંદર ગ્રે છત જોઈને દુનિયાભરના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ પ્રેરણા લેતા હતા, તે જ છત નીચે રહેતા લોકો માટે હવે આ ગરમી એક ભયાનક દુઃસ્વપ્ન બની ગઈ છે.

ઝીંકની આકર્ષક છત જ ગરમીનું મુખ્ય કારણ

પેરિસની લગભગ ત્રણ-ચતુર્થાંશ (૭૫ ટકા) ઇમારતો પર ઝીંક (Zinc) ધાતુના પતરાની છત આવેલી છે. સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા ‘યુનેસ્કો’ (UNESCO) દ્વારા આ ઝીંક છતના સ્થાપત્યને માનવતા માટે મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો માનવામાં આવ્યો છે. ઝીંક ધાતુ વજનમાં હલકી, રિસાયકલ થઈ શકે તેવી અને લાંબો સમય ચાલનારી છે, પરંતુ વિજ્ઞાનના નિયમ મુજબ તે ગરમીનું અત્યંત ઝડપથી શોષણ અને વહન કરે છે. પરિણામે, ઉનાળામાં સૂર્યના સીધા કિરણો પડતાં જ આ આખું બિલ્ડિંગ ઉપરથી ઓવનની જેમ ગરમ થઈ જાય છે.

ગરીબ વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ સૌથી વધુ પ્રભાવિત

આવાસ ક્ષેત્રે કામ કરતા સામાજિક સંગઠનોના જણાવ્યા મુજબ, પેરિસના આ ટોચના માળના નાના રૂમો બહારથી જેટલા રોમેન્ટિક દેખાય છે, વાસ્તવમાં ત્યાંની સ્થિતિ એટલી જ ખરાબ છે. મોંઘા અને નીચલા માળના ફ્લેટ ન પરવડવાને કારણે હજારો વિદ્યાર્થીઓ અને ઓછી આવક ધરાવતા લોકો દર મહિને ૭૦૦ થી ૮૦૦ યુરો જેવું ભારે ભાડું ચૂકવીને આ ગૂંગળામણ ભરેલા રૂમોમાં રહે છે. અહીં ગરમી એટલી વધી જાય છે કે રાત્રે ક્રોસ-વેન્ટિલેશન (હવાની અવરજવર) ના અભાવે રૂમ ઠંડા થતા જ નથી.

ધ લેન્સેટ જર્નલનો ચોંકાવનારો દાવો: એક સંશોધન અનુસાર, યુરોપની ૩૦ રાજધાનીઓમાંથી પેરિસમાં ગરમીના કારણે મૃત્યુ થવાનું જોખમ સૌથી વધુ છે. વર્ષ ૨૦૦૩ માં ફ્રાન્સમાં આવેલા ભયાનક હીટવેવ દરમિયાન ૧૫,૦૦૦ લોકોના મોત થયા હતા, જેમાં છતની બરાબર નીચે રહેતા લોકોના મૃત્યુનું પ્રમાણ સામાન્ય લોકો કરતા ચાર ગણું વધારે હતું.

વિચિત્ર કાયદાઓએ વધારી મુશ્કેલી, એર કંડિશનર પર પ્રતિબંધ

પેરિસમાં તાપમાન દિવસ દરમિયાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે પણ ૨૫ ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. આ આધુનિક યુગમાં પણ પેરિસના ખાનગી એપાર્ટમેન્ટ્સમાં ભાગ્યે જ એર કંડિશનર (AC) જોવા મળે છે. પેરિસના ૧૯મી સદીના ઐતિહાસિક લુક અને હૌસમેન-શૈલી (Haussmann-style) ના સ્થાપત્યને જાળવી રાખવા માટે ત્યાંના પ્રશાસને અત્યંત કડક ઝોનિંગ નિયમો બનાવ્યા છે. આ નિયમોના કારણે લોકો પોતાની મરજીથી છત પર ઇન્સ્યુલેશન કરાવી શકતા નથી, બારીઓ પર સૂર્યપ્રકાશ રોકતા શટર લગાવી શકતા નથી કે એસીના આઉટડોર યુનિટ પણ લગાવી શકતા નથી. પેરિસના વારસાને બચાવવાના ચક્કરમાં ત્યાંના સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે.

સ્થાનિક રહીશો હાલમાં ગરમીથી બચવા માટે માત્ર નાના ઇલેક્ટ્રિક પંખા, ઠંડા પાણીથી સ્નાન અને ભીના કપડાના પોતાં પર નિર્ભર છે. બારી ખોલે તો બહારનો અસહ્ય ઘોંઘાટ અને લૂ આવે છે, અને બંધ કરે તો અંદર ગૂંગળામણ થાય છે– પેરિસવાસીઓ હાલમાં આ વિચિત્ર અને કષ્ટદાયક ચક્રવ્યૂહમાં ફસાયેલા છે.

 

(6:21 PM IST)