તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
કર્ણાટકના પ્રખ્યાત ધોધનું સૌંદર્ય ઓસર્યું: અપૂરતા વરસાદને કારણે મૈસુરુના ગગનચુક્કી અને ભરચુક્કી ધોધ સુકાઈ જતાં પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો!
કાવેરી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં પર્યટકોમાં નિરાશા; સ્થાનિક લારી-ગલ્લા ધારકો અને માછલીના વેપારીઓની આજીવિકા સામે સંકટના વાદળો.

મૈસુરુ, તા.15: કર્ણાટકના મૈસુરુ ક્ષેત્રના કુદરતી સૌંદર્યના પ્રતીક સમાન ગગનચુક્કી અને ભરચુક્કી ધોધ હાલમાં પોતાની ભવ્યતા ગુમાવી રહ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન હજારો પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષતા આ ધોધ આ વર્ષે અપૂરતા વરસાદને કારણે ખાલીખમ જોવા મળી રહ્યા છે. મંડ્યા અને ચામરાજનગર જિલ્લામાં આવેલા આ લોકપ્રિય પ્રવાસન સ્થળો પર હવે પાણીના પ્રવાહને બદલે માત્ર સૂકા ખડકો જ નજરે પડે છે. આ જ પરિસ્થિતિ ચુંચનકટ્ટે અને હોગેનાક્કલ ધોધની પણ છે, જેના કારણે પ્રવાસન વ્યવસાય પર નિર્ભર અનેક પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સ્થાનિક વેપારીઓ માટે આ વર્ષ અત્યંત કપરૂં સાબિત થઈ રહ્યું છે. અહીં તળેલી માછલી, તાજા ફળો અને નાસ્તાના સ્ટોલ ચલાવતા લોકો આખું વર્ષ પ્રવાસીઓની રાહ જોતા હોય છે, પરંતુ પાણીના અભાવે પ્રવાસીઓ આવવાનું ટાળી રહ્યા છે. માછલીનો સ્ટોલ ધરાવતા અબ્દુલે જણાવ્યું હતું કે, આ સ્થળો ફક્ત પાણીના જોરદાર પ્રવાહથી જ જીવંત લાગે છે. ઘણા સ્થાનિક પરિવારો સંપૂર્ણપણે પ્રવાસીઓની આવક પર નિર્ભર છે, તેથી વરસાદની અછત તેમના માટે આજીવિકાનું મોટું સંકટ બની ગઈ છે.
ગયા વર્ષની સ્થિતિ આ વર્ષ કરતાં તદ્દન વિપરીત હતી. જુલાઈ 2025માં KRS અને કાબિની ડેમમાંથી લગભગ 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, જેનાથી સમગ્ર વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. તેની સામે આ વર્ષે માત્ર 625 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જે ધોધને જીવંત રાખવા માટે અપૂરતું છે. પરિણામે, શિવનસમુદ્ર નજીકના મંદિરોમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે.
દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પણ ધોધનું આ સૂકું સ્વરૂપ જોઈને નિરાશ થઈ રહ્યા છે. ઉત્તર કર્ણાટકથી આવેલા સુરેશ નામના પ્રવાસીએ પોતાની હતાશા વ્યક્ત કરતા કહ્યું કે, ગયા વર્ષે તેમના મિત્રોએ અહીંની જે સુંદરતાના વખાણ કર્યા હતા, તે આ વખતે જોવા ન મળતા તેમણે ભરચુક્કી જવાનો પ્લાન પણ રદ કરવો પડ્યો હતો. હાલમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ પ્રવાસન સ્થળોએ ફરીથી પાણીનો કલરવ ગુંજતો થશે કે કેમ, તે તો આવનારા દિવસોનો વરસાદ જ નક્કી કરશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
