News of Sunday, 5th July 2026
મમતા બેનર્જી સામે રાજકીય અસ્તિત્વની લડાઈ: શું દીદી પોતાના ૨૮ વર્ષ જૂના પક્ષનું પ્રતીક ગુમાવશે?
ધારાસભ્યો અને સાંસદોના ભયંકર બળવા બાદ તૃણમૂલ કોંગ્રેસના નામ : ચૂંટણી પ્રતીક અને મુખ્યાલય પર કબજા માટે મમતા બેનર્જી અને બળવાખોર જૂથ વચ્ચે સોમવારે ચૂંટણી પંચ સમક્ષ આરપારની જંગ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીની સૌથી મોટી કટોકટી સર્જાઈ છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ૨૮ વર્ષ જૂના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને બચાવવા માટે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ પક્ષમાં ફાટી નીકળેલો આંતરિક અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે મમતા કેમ્પ અને બળવાખોર જૂથ બંને નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ પોતે જ "વાસ્તવિક TMC" હોવાના દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાના છે. ચૂંટણી પંચે બંને પક્ષોને સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં પોતપોતાના સંગઠનાત્મક રેકોર્ડ સબમિટ કરવા કડક આદેશ આપ્યો છે.
આ વિવાદ માત્ર કાગળો પૂરતો મર્યાદિત નથી, પરંતુ કોલકાતાની સડકો પર પણ તેનો હિંસક અને નાટકીય વળાંક જોવા મળી રહ્યો છે. બળવાખોર જૂથે કોલકાતા સ્થિત પક્ષના મુખ્ય મથક 'તૃણમૂલ ભવન' પર કબજો કરી તેના તાળા બદલી નાખ્યા છે અને ત્યાં નવા પોસ્ટરો લગાવી દીધા છે. આ જૂથનો દાવો છે કે ટીએમસીના ૮૦ માંથી આશરે ૬૫ ધારાસભ્યો અને ૨૧ લોકસભા સાંસદો તેમની સાથે છે. વરિષ્ઠ ધારાસભ્ય અરૂપ રોયને પોતાના નવા પ્રમુખ તરીકે ચૂંટીને બળવાખોરોએ મમતા બેનર્જીના એકચક્રી શાસનને ખુલ્લો પડકાર ફેંક્યો છે, જેનાથી દીદીનો રાજકીય ગઢ સંપૂર્ણપણે હચમચી ગયો છે.
બીજી તરફ, પક્ષના સ્થાપક મમતા બેનર્જીએ આ બળવાને ભાજપ પ્રેરિત કાવતરું ગણાવીને આક્રમક વલણ અપનાવ્યું છે. કાલીઘાટ ખાતેથી રણનીતિ ઘડી રહેલા મમતાએ હિંમતભેર જણાવ્યું છે કે, "મને ચૂંટણી પ્રતીક ગુમાવવાનો કોઈ ડર નથી, જો તેઓ પ્રતીક છીનવી લેશે તો પણ હું તેને મારા ગળામાં લટકાવીને જનતાની વચ્ચે જઈશ." હવે આખોય મામલો ચૂંટણી પંચના આખરી નિર્ણય પર ટકેલો છે. કમિશન બહુમતી અને કાનૂની આધારોને ધ્યાનમાં રાખીને જે પણ ચુકાદો આપશે, તે માત્ર 'ઘાસ-ફૂલ' પ્રતીકનું ભવિષ્ય જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળના આગામી રાજકારણની આખી દિશા અને દશા નક્કી કરશે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
