News of Monday, 11th May 2026
દહેજમાં 'નાની કાર અને ઓછું સોનું' આપવા બદલ પત્નીને મેણાં મારવા એ પણ 'ક્રૂરતા' છે - દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
દહેજ પ્રથા અને માનસિક ત્રાસ સામે કોર્ટનું કડક વલણ : માત્ર શારીરિક હિંસા જ નહીં પરંતુ મર્યાદિત ભેટ-સોગાદો બદલ ટોણા મારવા તે પણ ગુનાહિત કૃત્ય ગણાશે

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સ્ત્રીઓના અધિકારો અને દહેજ વિરોધી કાયદાને વધુ મજબૂત બનાવતા એક ચુકાદામાં જણાવ્યું છે કે પત્નીને દહેજમાં ઓછી કિંમતની વસ્તુઓ લાવવા બદલ મેણાં મારવા તે ક્રૂરતા સમાન છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દહેજ તરીકે 'નાની કાર' કે 'ઓછું સોનું' મળ્યું હોવાના ટોણા મારવાથી પત્ની પર જે માનસિક અસર પડે છે, તે કાયદાની નજરમાં ગુનો છે.
આ કેસ એક મહિલાની ફરિયાદ પરથી શરૂ થયો હતો, જેમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયાં અને પતિ તેને સતત ટોણા મારતા હતા કે તેના પિતાએ લગ્નમાં લક્ઝરી કારને બદલે નાની કાર આપી છે. આ ઉપરાંત સોનાના દાગીનાની માત્રાને લઈને પણ તેને વારંવાર નીચી દેખાડવામાં આવતી હતી. આ બાબત તેને માનસિક રીતે તોડી નાખવા માટે પૂરતી હતી.
નીચલી અદાલતે આ બાબતને સામાન્ય તકરાર ગણાવી હતી, પરંતુ હાઈકોર્ટે આ વલણ બદલ્યું છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે દહેજની માંગણી માત્ર રોકડ રકમ પૂરતી મર્યાદિત નથી. સામાજિક પ્રતિષ્ઠાના નામે પત્નીના પિયર પક્ષની આર્થિક ક્ષમતાનું અપમાન કરવું તે 'ઘરલું હિંસા' અને 'ક્રૂરતા' ની શ્રેણીમાં આવે છે.
આ ચુકાદાથી દહેજ લોભી સાસરિયાંઓ માટે કડક સંદેશ ગયો છે. કોર્ટે કહ્યું કે લગ્ન એ પવિત્ર બંધન છે, સોદો નથી. જો કોઈ પુરુષ કે તેનું કુટુંબ ભેટની અપેક્ષા રાખે છે અને તે પૂરી ન થતા પત્નીને હેરાન કરે છે, તો તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮એ હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
મહિલા અધિકાર કાર્યકર્તાઓએ આ ચુકાદાને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે મધ્યમ વર્ગીય પરિવારોમાં આ પ્રકારના 'માનસિક ટોણા' સામાન્ય છે અને તેના કારણે અનેક સ્ત્રીઓ આત્મહત્યા જેવા કદમ ઉઠાવે છે. કોર્ટની આ ટિપ્પણી આવા કિસ્સાઓમાં નવો કાયદાકીય વળાંક લાવશે.
દિલ્હી હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે ભૌતિકવાદી દુનિયામાં લોકો ભેટની કિંમત આંકીને સંબંધોની કિંમત નક્કી કરે છે, જે સમાજ માટે કેન્સર સમાન છે. પત્નીને તેના પિયર દ્વારા આપવામાં આવેલી ભેટો માટે અપમાનિત કરવી તે તેના આત્મસન્માન પર ઘા છે.
હવે આ કેસમાં પતિ અને સાસરિયાં સામે ફોજદારી ટ્રાયલ ચલાવવામાં આવશે. આ ચુકાદો દેશભરની અન્ય અદાલતો માટે પણ માર્ગદર્શક બનશે. સામાજિક પરિવર્તન લાવવા માટે ન્યાયતંત્રનો આ અભિગમ અત્યંત પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
