તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
તહેવારોની સિઝનમાં ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં સાવધાન: ૧ ઓક્ટોબરથી રેલવેનો નવો કડક નિયમ, ટિકિટ સાથે ઓરિજિનલ ID વગર નહીં મળે એન્ટ્રી
સેન્ટ્રલ રેલવે દ્વારા ૧ થી ૩૧ ઓક્ટોબર સુધી વિશેષ 'ટિકિટ ચેકિંગ અભિયાન'; 'વન ટિકિટ, વન ઓરિજિનલ ID' નિયમનું પાલન કરવું ફરજિયાત

નવી દિલ્હી : નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા આગામી તહેવારોની સિઝનમાં જો તમે પણ ટ્રેન દ્વારા વતન કે પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય રેલવેના સેન્ટ્રલ રેલવે ઝોન દ્વારા ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી સમગ્ર મહિના દરમિયાન એક વિશેષ 'ટિકિટ ચેકિંગ અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માત્ર કન્ફર્મ ટિકિટ હોવી પૂરતી નથી, પરંતુ ટિકિટની સાથે માન્ય ઓરિજિનલ આઈડી પ્રૂફ (મૂળ ઓળખપત્ર) સાથે રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
'વન ટિકિટ, વન ઓરિજિનલ ID' નો નવો કડક નિયમ
રેલવે અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તહેવારો દરમિયાન થતી ભીડભાડ, ગેરકાયદેસર ટિકિટ ટ્રાન્સફર અને વિના ટિકિટે મુસાફરી કરનારા તત્વો પર લગામ કસવા માટે 'વન ટિકિટ, વન ઓરિજિનલ આઈડી'નો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવશે. મુસાફરી દરમિયાન ચેકિંગ સ્ટાફ માંગે ત્યારે ફોટોકોપી કે ડિજિટલ કોપીના બદલે સરકાર દ્વારા માન્ય ઓરિજિનલ આઈડી કાર્ડ દર્શાવવાનું રહેશે. જો મુસાફર પાસે ઓરિજિનલ આઈડી નહીં હોય, તો તેને નિયમ મુજબ દંડ કરવામાં આવી શકે છે અથવા વિના ટિકિટના મુસાફર તરીકે ગણવામાં આવી શકે છે.
મુસાફરી પહેલાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો
રેલવે પ્રશાસને મુસાફરોને સલાહ આપી છે કે તહેવારોના આ દિવસોમાં સ્ટેશન પર વહેલા પહોંચવું અને પોતાનું મૂળ ઓળખપત્ર જેમ કે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ કે સરકારી આઈડી કાર્ડ સાથે રાખવું. સેન્ટ્રલ રેલવેના તમામ મુખ્ય સ્ટેશનો અને ટ્રેનોમાં ટીટીઈ (TTE) અને ચેકિંગ ટીમ આખા ઓક્ટોબર મહિના દરમિયાન સઘન તપાસ ઝુંબેશ ચલાવશે, જેથી કરીને સાચા અને નિયમિત મુસાફરોને કોઈ અગવડ ન પડે અને મુસાફરી સુરક્ષિત રહે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
