News of Friday, 1st May 2026
બંગાળમાં ‘કાઉન્ટિંગ’ પહેલા સુપ્રીમ કોર્ટમાં સંગ્રામ: કેન્દ્રીય નિરીક્ષકોની તૈનાતી મુદ્દે મમતા સરકાર આરપારના મૂડમાં : હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ આવતીકાલે સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચ કરશે સુનાવણી
ગણતરીના કલાકો બાકી અને ટીએમસી પહોંચી સર્વોચ્ચ અદાલતના દ્વારે: માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ જ કેમ? ચૂંટણી પંચના નિર્ણય સામે મમતા બેનર્જીનો જોરદાર વિરોધ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ૪ મેના રોજ થનારી મતગણતરી માટે ચૂંટણી પંચે જે 'બ્લુ પ્રિન્ટ' તૈયાર કરી છે, તેની સામે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ બાયો ચઢાવી છે. ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર નિરીક્ષકો તરીકે માત્ર કેન્દ્ર સરકાર અથવા પીએસયુ (PSU) ના કર્મચારીઓને જ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને ટીએમસીએ પક્ષપાતી ગણાવી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટીએમસીએ મામલાની ગંભીરતા જોતા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, જેને પગલે કોર્ટે ૨ મેના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે ખાસ સુનાવણી રાખવાનો નિર્ણય કર્યો છે.
આ અગાઉ ટીએમસીએ કોલકાતા હાઈકોર્ટમાં ધા નાખી હતી, પરંતુ ૩૦ એપ્રિલના રોજ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દઈ પંચના નિર્ણયને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગણતરી પ્રક્રિયામાં કયા કર્મચારીઓને જોડવા તે ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે અને પારદર્શિતા જાળવવા માટે કેન્દ્રીય કર્મચારીઓની પસંદગીમાં કંઈ ગેરકાયદેસર નથી. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે આ પ્રક્રિયાનો હેતુ ચૂંટણીને ન્યાયી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો છે. જોકે, ટીએમસી આ દલીલથી સંતુષ્ટ નથી અને તેને કેન્દ્ર સરકારની દખલગીરી ગણાવી રહી છે.
ટીએમસીના વરિષ્ઠ વકીલ અને સાંસદ કલ્યાણ બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે નિરીક્ષકોની નિમણૂકનો આવો એકપક્ષીય નિર્ણય લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ૪ મેના રોજ થનારી મતગણતરી બંગાળમાં કોની સરકાર બનશે તે નક્કી કરશે, ત્યારે ગણતરી ટેબલ પર કોણ બેસશે તે મુદ્દે સર્જાયેલો આ કાયદાકીય જંગ અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને જોયમલ્યા બાગચીની બેન્ચ આવતીકાલે શું ચુકાદો આપે છે, કારણ કે આ ચુકાદો ગણતરીની પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર મોટી અસર પાડી શકે છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
